ઓકલેન્ડ સ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલ ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં ભારત-ન્યૂઝીલેન્ડના રાજદ્વારીઓ, બિઝનેસ લીડર્સ અને ડાયસ્પોરાની પ્રેરક ઉપસ્થિતિ

NRI બેંકિંગ અને ગ્રાહકોની વાસ્તવિક સમસ્યાઓ ઉકેલવા પર સંદીપ ખેતાનનો ભાર
નમસ્કાર ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ
બેંક ઓફ બરોડા ન્યૂઝીલેન્ડ લિમિટેડ દ્વારા ઓકલેન્ડના ક્વીન સ્ટ્રીટ સ્થિત સેપ ટાવર (SAP Tower) ના ૧૪મા માળે આવેલા ભારતીય કોન્સ્યુલેટ જનરલ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બેંકની ડિજિટલ સફરને આગળ ધપાવતા નવી મોબાઈલ બેંકિંગ એપ ‘BOB World New Zealand’ નું સત્તાવાર લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ન્યૂઝીલેન્ડમાં ભારતના હાઈ કમિશનર સુશ્રી મુઆનપુઈ સાઈઆવી, ઓકલેન્ડમાં ભારતના કોન્સ્યુલ જનરલ ડૉ. મદન મોહન સેઠી, બેંક ઓફ બરોડા ન્યૂઝીલેન્ડના ચેરમેન એન.એસ. વેંકટરામન, મેનેજિંગ ડિરેક્ટર સંદીપ કેતન તેમજ ઓકલેન્ડ બિઝનેસ ચેમ્બરના ચીફ એક્ઝિક્યુટિવ સિમોન બ્રિજિસ સહિત ભારતીય સમુદાયના અગ્રણીઓ અને પ્રતિષ્ઠિત ગ્રાહકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ડિજિટલ બેંકિંગ તરફ એક મોટું કદમ: શું છે એપની ખાસિયતો?
બેંક દ્વારા જૂના ‘M-Connect’ પ્લેટફોર્મની જગ્યાએ આ આધુનિક અને સુરક્ષિત ‘BOB World NZ’ એપ રજૂ કરવામાં આવી છે. ગ્રાહકોને વધુ સરળ અને સલામત બેંકિંગ અનુભવ આપવા માટે આ એપમાં નીચે મુજબના ફીચર્સ સામેલ કરાયા છે:
- આધુનિક સિક્યોરિટી: ગ્રાહકોની સુરક્ષા માટે બાયોમેટ્રિક લોગિન અને ફેસ આઈડી એક્સેસ.
- ઝડપી ટ્રાન્ઝેક્શન: ઇન્ટરબેંક અને વિધિન-બેંક (બેંકની અંદર અને અન્ય બેંકોમાં) ઇન્સ્ટન્ટ પેમેન્ટની સુવિધા.
- ભારત રેમિટન્સ સપોર્ટ: ન્યૂઝીલેન્ડથી ભારત પૈસા મોકલવા (માટે સરળ પ્રક્રિયા.
- ખાસ કેલ્ક્યુલેટર્સ: હોમ લોન માહિતી તેમજ ફિક્સ ડિપોઝિટ (FD) અને રિકરિંગ ડિપોઝિટ (RD) માટેના ખાસ કેલ્ક્યુલેટર્સ.
ગ્રાહકોનો વિશ્વાસ અને NRI બેંકિંગ પર વિશેષ ધ્યાન
બેંકના મેનેજિંગ ડિરેક્ટર સંદીપ ખેતાને જણાવ્યું કે, બેંક ન્યૂઝીલેન્ડના માર્કેટની અપેક્ષાઓ અનુસાર પોતાની પ્રોડક્ટ્સ અને સર્વિસને વધુ બહેતર બનાવી રહી છે. ખાસ કરીને NRI બેંકિંગ ક્ષેત્રે બેંકે ન્યૂઝીલેન્ડમાં વસતા ભારતીય સમુદાયને ભારતમાં રહેલા તેમના જૂના ખાતાઓ, ક્લેમ સેટલમેન્ટ અને અનક્લેમડ ફંડ્સ રિકવર કરવામાં મોટી મદદ કરી છે. તેમણે સ્વીકાર્યું કે મોટી સ્થાનિક બેંકોની સરખામણીએ હજુ ઘણા સુધારા બાકી છે, પરંતુ બેંક સતત ડિજિટલ અપગ્રેડેશન માટે કટિબદ્ધ છે.
બીજી તરફ, બેંકના ચેરમેન એન.એસ. વેંકટરામનના જણાવ્યા અનુસાર, આ માત્ર એક ટેકનોલોજી અપગ્રેડ નથી પરંતુ ગ્રાહકો સાથેના વિશ્વાસની સફર છે. બેંકનું ભવિષ્ય માત્ર મૂડી કે સ્ટ્રેટેજી પર નહીં, પરંતુ સમુદાય સાથેના સંબંધો પર નિર્ભર છે.
ભારત-ન્યૂઝીલેન્ડ આર્થિક સંબંધોનો નવો દોર
કાર્યક્રમ દરમિયાન ભારતના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન (જેમ કે UPI) ની પ્રશંસા કરતા હાઈ કમિશનર સુશ્રી મુઆનપુઈ સાઈઆવીએ જણાવ્યું કે, ન્યૂઝીલેન્ડમાં વસતો ભારતીય ડાયસ્પોરા ભારત સાથે મજબૂત પારિવારિક, આર્થિક અને વ્યાપારી સંબંધો ધરાવે છે. આ સ્થિતિમાં બેંક ઓફ બરોડા બંને દેશો વચ્ચેના ફાઇનાન્સિયલ કોરિડોરને વધુ મજબૂત બનાવવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે.
ઓકલેન્ડ બિઝનેસ ચેમ્બરના ચીફ એક્ઝિક્યુટિવ સિમોન બ્રિજિસે પણ ઓકલેન્ડના બિઝનેસ અને સામાજિક તાણાવાણામાં ભારતીય સમુદાયના યોગદાનને બિરદાવ્યું હતું અને ન્યૂઝીલેન્ડના બેંકિંગ સેક્ટરમાં નવી ઊર્જા અને સ્પર્ધા લાવવા બદલ બેંક ઓફ બરોડાને શુભેચ્છા પાઠવી હતી. કોન્સ્યુલ જનરલ ડૉ. મદન મોહન સેઠીએ ભારત-ન્યૂઝીલેન્ડ મુક્ત વ્યાપાર કરાર (Free Trade Agreement) ના સંદર્ભમાં આ લોન્ચિંગને ખૂબ જ રોમાંચક અને સમયસરનું ગણાવ્યું હતું.


