સ્કૂલ વેનમાંથી અચાનક ગાયબ થયા બાદ પરિવાર માટે અચાનક આઘાતજનક સમાચાર આવ્યા, સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલો, ઘરથી માત્ર 15 મિનિટ દૂર Te Atatu સાઉથના એક ઘરના બેકયાર્ડ સ્વિમિંગ પૂલમાં મૃત હાલતમાં મળી આવ્યો
ન્યૂઝીલેન્ડના વેસ્ટ ઑકલેન્ડમાં રહેતા એક ભારતીય પરિવાર પર આભ તૂટી પડ્યું છે. સોમવારે બપોરે 8 વર્ષના ગુરશબાદ સિંહના માતા-પિતાને એક એવો ફોન આવ્યો જેણે તેમની જિંદગી કાયમ માટે બદલી નાખી. તેમનો એકનો એક દીકરો સ્કૂલ વેનમાંથી કોઈનું ધ્યાન ન જાય તે રીતે બહાર નીકળી ગયો હતો અને રાનૂઈ (Rānui) સ્થિત તેમના ઘરથી માત્ર 15 મિનિટ દૂર તે અતાતૂ સાઉથના એક ઘરના બેકયાર્ડ સ્વિમિંગ પૂલમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.
ગુરશબાદ ઓટિઝમ સ્પેક્ટ્રમ (Autism Spectrum – એક પ્રકારની માનસિક સ્થિતિ જેમાં બાળક પોતાની જ ધૂનમાં રહે છે) થી પીડિત હતો. આ મામલે હવે ન્યૂઝીલેન્ડ પોલીસ, કોરોનર (Coroner), વર્કસેફ (WorkSafe) અને મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન (શિક્ષણ મંત્રાલય) દ્વારા ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
“તે ખૂબ જ નટખટ અને ખુશમિજાજ હતો” – માતા-પિતાની આંખો છલકાઈ
ધ હેરાલ્ડ (The Herald) ને આપેલા ઇન્ટરવ્યુમાં ગુરશબાદના માતા-પિતાએ અત્યંત ભારે હૈયે પોતાના દીકરાની યાદો શેર કરી હતી.
- પોતાની મસ્તીમાં રહેતો દીકરો: માતાએ ધ્રુજતા અવાજે જણાવ્યું કે, “તે મારો 8 વર્ષનો નાનો દીકરો હતો જેને જિંદગી બહુ ગમતી હતી… આખો દિવસ દોડાદોડ કરતો અને ખુશ રહેતો. તે પોતાની કાલ્પનિક દુનિયામાં મસ્ત હતો, પણ ઘણો ખુશ રહેતો.”
- તેની તોફાની આદત: તે ઘરમાંથી વસ્તુઓ બહાર છુપાવી દેતો અને જ્યારે પણ ઘરમાં કંઈ ન મળે ત્યારે પરિવાર સમજી જતો કે બહાર જ તપાસ કરવી પડશે. તે માતા સામે જોઈને હસીને ભાગી જતો હતો.
- બહેનનો લાડકો: ગુરશબાદ તેની 10 વર્ષની મોટી બહેનની ખૂબ નજીક હતો. તેની બહેને જણાવ્યું કે તેને સવારે તેના ભાઈને તૈયાર કરવામાં મદદ કરવી બહુ ગમતી હતી.
હજુ ગયા અઠવાડિયે જ આ પરિવારે ચાર સભ્યો તરીકે ઑકલેન્ડથી વેલિંગ્ટનની છેલ્લી રોડ ટ્રીપ સાથે કરી હતી, જેમાં ગુરશબાદ આખા રસ્તે કારમાં ડાન્સ કરતો અને ખુશ થતો રહ્યો હતો. આ દુઃખદ સમાચાર મળતા જ તેના દાદી તાત્કાલિક ભારતથી ન્યૂઝીલેન્ડ પહોંચ્યા છે અને માસી-માસા ઓસ્ટ્રેલિયાથી ઓકલેન્ડ આવ્યા છે.
વેન ડ્રાઈવરને ખબર જ ન પડી: સુરક્ષા અંગે મોટી માંગ
પોલીસના જણાવ્યા અનુસાર, ગુરશબાદ વેનમાંથી ક્યારે ઉતરી ગયો તેની ડ્રાઈવરને કેટલીક મિનિટો સુધી ખબર જ પડી નહોતી. માતાએ જણાવ્યું કે, “તે ખૂબ જ ચપળ અને હોશિયાર હતો, જો તેને જરા પણ તક મળે તો તે તરત જ ભાગી છૂટતો હતો.” આ ટ્રાન્સપોર્ટ સર્વિસ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનના સ્પેશિયલ સ્કૂલ ટ્રાન્સપોર્ટ આસિસ્ટન્સ હેઠળ ‘રિચીસ ટ્રાન્સપોર્ટ’ (Ritchies Transport) દ્વારા ચલાવવામાં આવી રહી હતી.
માતા-પિતાની અપીલ: “અમે કોઈના પર આરોપ નથી લગાવી રહ્યા, પરંતુ અમે ઈચ્છીએ છીએ કે સમુદાય અને અન્ય માતા-પિતા આ વાત જાણે. સરકારને અમારી વિનંતી છે કે જે વેનમાં ઓટિસ્ટિક (ખાસ જરૂરિયાતવાળા) બાળકો મુસાફરી કરતા હોય, તેમાં ડ્રાઈવર ઉપરાંત ફરજિયાતપણે બીજા એક પુખ્ત વયના અટેન્ડન્ટ (Adult) ને રાખવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ માસૂમનો જીવ ન જાય.”
વર્કસેફના પ્રાદેશિક મેનેજર બ્રેડ ડગ્ગને જણાવ્યું છે કે કામ સંબંધિત ટ્રાન્સપોર્ટમાં બાળકો જેવા સંવેદનશીલ લોકોની સુરક્ષા અને ગણતરીની પૂરેપૂરી જવાબદારી મેનેજમેન્ટની હોય છે અને તેઓ તથ્યો સામે આવ્યા બાદ કડક પગલાં લેશે. શિક્ષણ મંત્રાલયે પણ પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી છે.