કોન્ટ્રાક્ટરનું રટણ 210 લોકો જ હતા, આખી ગુજરાત સરકાર બચાવ કામગીરીમાં લાગી, મૃતકોમાં મહિલા અને બાળકોની સંખ્યા વધુ, રાજકોટ મોહન કુંડારિયાના પરિવારમાંથી 12નાં મોત

નમસ્કાર ગુજરાત ન્યુઝ મોરબી
ગુજરાતના મોરબીમાં કેબલ બ્રિજ અકસ્માતમાં અત્યાર સુધીમાં 141 લોકોના મોત થયા છે, જ્યારે 177 લોકોને બચાવી લેવાયા છે. લોકોને બચાવવા માટે રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ છે. તો ત્યાં બ્રિજ બનાવતી અને રખવાલી કરતી કંપની સામે અપરાધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. હાલ આ અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે. આ તરફ કોન્ટ્રાક્ટર હજુ પણ એ જ રટણ કરી રહ્યો છે કે પુલ પર માત્ર 210 લોકો જ હતા.

રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ સોમવાર, 31 ઓક્ટોબર 2022ના રોજ જણાવ્યું હતું કે તેની તપાસ IGP રેન્કના અધિકારીના નેતૃત્વમાં શરૂ કરવામાં આવી છે. પીડિત પરિવારોને 6-6 લાખ વળતરની જાહેરાત કરવામાં આવી છે. તેમણે કહ્યું છે કે બધા રાતભર રાહત કાર્યમાં લાગ્યા હતા. ઘટના બાદ નેવી, એનડીઆરએફ, એરફોર્સ અને આર્મીના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રાતભર 200થી વધુ જવાનો શોધ અને રાહત કામગીરીમાં લાગેલા હતા.

દિવાળીનો તહેવાર અને રવિવાર હોવાથી મોરબી સિવાય અન્ય ગામના લોકો પણ ઝૂલતા પુલ પર આવ્યા હતા. કેટલાક લોકો બહારથી મોરબીમાં પ્રસંગ કે ફરવા આવ્યા હતા તો મુસ્લિમ લોકોનો ઉર્ષ તહેવાર પણ હતો. સાંજે 4 વાગ્યા બાદ પુલ પર લોકોની અવરજવર વધતી જતી હતી. 6:30 વાગ્યાની આસપાસ અચાનક જ લોકોની ખુશી પુલ તૂટતા ચીચીયારીઓમાં પરિવર્તિત થઈ હતી.

અકસ્માત સાથે જોડાયેલી 10 મોટી બાબતો
મોરબી અકસ્માતમાં સૌથી મોટી વાત એ છે કે જે 141 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે તેમાં 40 બાળકો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં સૌથી વધુ બાળકોના મોત થયા છે.

  • રાષ્ટ્રપતિથી લઈને વડાપ્રધાન સુધી તમામે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને પીડિત પરિવારોને એક્સ-ગ્રેશિયા આપવાની પણ જાહેરાત કરી છે.
  • આ અકસ્માતમાં ભાજપના સાંસદ મોહન કુંડારિયાના પરિવારજનોનું પણ મોત થયું હતું. સાંસદ મોહન કુંડારિયાની બહેનના પરિવારના 12 સભ્યોના મોત થયા છે. જેઠાણીના સગા બહેન, ચાર દીકરીઓ, ચાર જમાઈ અને બાળકોના પરિવારજનો મૃત્યુ પામ્યા હતા.
  • અકસ્માત બાદ ગુજરાત સરકારે હેલ્પલાઈન નંબર જારી કર્યો છે. અકસ્માત સંબંધિત માહિતી માટે 02822243300 નંબર પર કોલ કરીને જાણી શકાશે.
  • આર્મી, નેવી, એરફોર્સ, એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. ગુજરાત પોલીસની મરીન ટાસ્ક ફોર્સે રાતભર મચ્છુ નદીમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
  • બ્રિજના સમારકામ બાદ ચાર દિવસ પહેલા જ ખુલ્લો મુકાયો હતો. રીપેરીંગ કામમાં આઠ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યું હતું. અકસ્માત બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
  • મચ્છુ નદી પર બનેલા આ પુલનો ઈતિહાસ લગભગ 140 વર્ષ જૂનો છે. આ પુલ વિશે વાત કરીએ તો તે ગુજરાતના મુખ્ય પ્રવાસન સ્થળોમાંનું એક બની ગયું હતું. અહીં દરરોજ મોટી સંખ્યામાં લોકો આવતા હતા કારણ કે આ પુલ હવામાં ઝૂલતો હતો અને તે બરાબર ઋષિકેશના રામ અને લક્ષ્મણના ઝૂલા જેવો હતો, તેથી મોટી સંખ્યામાં લોકો અહીં આવતા હતા.
  • રવિવારે આ પુલ પર 500 જેટલા લોકો એકઠા થયા હતા અને પુલ બોજ સહન કરી શક્યો ન હતો. પુલ તૂટીને નદીમાં પડયો હતો જેના કારણે લોકો વહી ગયા હતા.
  • મોરબીમાં મચ્છુ નદી પરના આ પુલનું બાંધકામ વર્ષ 1880માં પૂર્ણ થયું હતું અને મુંબઈના ગવર્નર રિચર્ડ ટેમ્પલ દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તે સમયે તેને બનાવવા માટે લગભગ 3.5 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.
  • આ પુલ છેલ્લા 6 મહિનાથી સમારકામના કારણે લોકો માટે બંધ હતો. 25 ઓક્ટોબરથી તેને ફરીથી લોકો માટે ખોલવામાં આવ્યો હતો. આ 6 મહિનામાં બ્રિજના સમારકામ પાછળ લગભગ 8 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.