ક્રિસ્ટોફર લક્સનની લોકપ્રિયતામાં મોટો ઘટાડો, ‘ઓપોર્ચ્યુનિટી પાર્ટી’ સંસદની નજીક, વિન્સ્ટન પીટર્સની NZ First પાર્ટી 9 વર્ષના સર્વોચ્ચ સ્તરે
ન્યૂઝીલેન્ડના રાજકારણમાં જનતાનો મૂડ બદલાઈ રહ્યો હોય તેવા સંકેતો તાજેતરના ઓપિનિયન પોલમાં જોવા મળ્યા છે. વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન (Christopher Luxon) ના નેતૃત્વ હેઠળ નેશનલ પાર્ટી (National Party) ની લોકપ્રિયતા અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ છે. બીજી તરફ, સંસદની બહાર રહેલી નવી ‘ઓપોર્ચ્યુનિટી પાર્ટી’ (Opportunity Party) એ મોટો ઉછાળો મારીને સંસદમાં પ્રવેશવા માટેના જરૂરી 5% ના આંકડાની ખૂબ નજીક પહોંચી ગઈ છે.
આ પોલના પરિણામો જો ચૂંટણીના દિવસે પણ આવા જ રહે, તો વર્તમાન ગઠબંધન સરકાર માંડ માંડ 61 બેઠકોની પાતળી બહુમતી સાથે સત્તા પર પરત ફરી શકે છે.
રાજકીય પક્ષોની સ્થિતિ અને બેઠકોનું ગણિત
જુલાઈ 2 થી 9 ની વચ્ચે 1000 લોકો પર કરવામાં આવેલા આ સર્વેમાં પક્ષોની સ્થિતિ નીચે મુજબ છે:
- લેબર પાર્ટી (Labour): 34.0% મતો સાથે પ્રથમ સ્થાને યથાવત છે.
- નેશનલ પાર્ટી (National): 2.1 પોઇન્ટના ઘટાડા સાથે 28.7% પર આવી ગઈ છે, જે લક્સન નેતા બન્યા પછીનું સૌથી નબળું પ્રદર્શન છે.
- ન્યૂઝીલેન્ડ ફર્સ્ટ (NZ First): 11.5% ના મજબૂત સ્કોર સાથે ત્રીજા સ્થાને છે, જે છેલ્લા 9 વર્ષમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
- ગ્રીન પાર્ટી (Greens): 10.3% અને એક્ટ પાર્ટી (ACT): 7.8% મતો મેળવવામાં સફળ રહી છે.
- ઓપોર્ચ્યુનિટી પાર્ટી (TOP): આ પક્ષે પોતાનું પ્રદર્શન બમણું કરીને 4.7% મતો મેળવ્યા છે. સંસદમાં પ્રવેશવા માટે તેને માત્ર 0.3% મતોની જ ખૂટ છે.
- તે પાતી માઓરી (Te Pāti Māori): 2.3% મતો મળ્યા છે.
આ પરિણામોના આધારે 120 બેઠકોની સંસદમાં શાસક ગઠબંધન (National, NZ First, ACT) ને 61 બેઠકો અને વિપક્ષી ગઠબંધન (Labour, Greens, Māori) ને 59 બેઠકો મળી શકે છે.
વડાપ્રધાન તરીકે કોણ છે પસંદગીના નેતા?
પક્ષની લોકપ્રિયતા ઘટવા છતાં વ્યક્તિગત રીતે નેતાઓની લોકપ્રિયતામાં સુધારો થયો છે. લેબર પાર્ટીના ક્રિસ હિપકિન્સ (Chris Hipkins) 23.9% રેટિંગ સાથે વડાપ્રધાન પદ માટે લોકોની પહેલી પસંદ બનેલા છે. જ્યારે વર્તમાન વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન 20.0% સાથે બીજા ક્રમે અને વિન્સ્ટન પીટર્સ 13.2% સાથે ત્રીજા ક્રમે છે.
દેશની સ્થિતિ અંગે લોકોનો મૂડ
માર્ચ મહિનાની સરખામણીમાં લોકોમાં નકારાત્મકતા થોડી ઓછી થઈ છે, છતાં પણ દેશ ખોટી દિશામાં જઈ રહ્યો છે તેવું માનનારા લોકોની સંખ્યા વધુ છે. સર્વેમાં 34.7% લોકોએ જણાવ્યું કે દેશ વર્તમાન સરકાર હેઠળ સાચી દિશામાં જઈ રહ્યો છે, જ્યારે 46.5% લોકોનું માનવું છે કે દેશ ખોટી દિશામાં જઈ રહ્યો છે. નેશનલ પાર્ટીના સમર્થકો દેશના ભવિષ્ય અંગે સૌથી વધુ આશાવાદી છે, જ્યારે ન્યૂઝીલેન્ડ ફર્સ્ટના મતદારો ઘણા નિરાશ જોવા મળ્યા છે.