ઓઇલ એક્સપોર્ટ ટર્મિનલ રાસ તનૂરા વિશ્વના સૌથી મોટા ઓફશોર ઓઇલ લોડિંગ ટર્મિનલોમાંનું એક, અહીંથી મોટા તેલ ટેન્કરોમાં ક્રૂડ ઓઇલ ભરીને અમેરિકા, એશિયા અને યુરોપ સહિત ઘણા દેશોને મોકલવામાં આવે છે

તેહરાન/રિયાધ: ઈઝરાયેલ-અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ત્રીજા દિવસે ઈરાને આક્રમક વલણ અપનાવતા સાઉદી અરેબિયાની વિશ્વવિખ્યાત તેલ રિફાઈનરી ‘રાસ તનૂરા’ પર મોટો હુમલો કર્યો છે. સાઉદી અરામકોની આ રિફાઈનરી પર હુમલા બાદ સર્વત્ર ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે અને હાલ પૂરતી આ રિફાઈનરી બંધ કરી દેવામાં આવી છે.

વૈશ્વિક તેલ પુરવઠા પર સંકટ

રાસ તનૂરા રિફાઈનરી પ્રતિદિવસ 5.5 થી 6 લાખ બેરલ તેલ શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવે છે. તે વિશ્વના સૌથી મોટા ઓફશોર ઓઈલ લોડિંગ ટર્મિનલોમાંનું એક છે, જ્યાંથી અમેરિકા, એશિયા અને યુરોપના દેશોને ક્રૂડ ઓઈલ મોકલવામાં આવે છે. આ હુમલાને કારણે વૈશ્વિક સ્તરે તેલના ભાવમાં ભયાનક ઉછાળો આવવાની આશંકા સેવાઈ રહી છે.

તેહરાન સહિત 10 શહેરોમાં ઈઝરાયેલનો કહેર

બીજી તરફ, ઈઝરાયેલ અને અમેરિકાએ ઈરાનની રાજધાની તેહરાન સહિત ૧૦ મોટા શહેરોને નિશાન બનાવ્યા છે. આ ભીષણ હુમલાઓમાં અત્યાર સુધીમાં ૨૦૦ થી વધુ લોકોના મોત થયા છે અને ૭૪૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. એક અત્યંત દુખદ ઘટનામાં, એક શાળા પર મિસાઈલ પડવાને કારણે ૧૮૦ વિદ્યાર્થીનીઓના કરૂણ મોત નિપજ્યા છે. આ ઉપરાંત સનંદજ શહેરમાં થયેલા હુમલામાં પણ બે લોકોના મોત થયા છે.

યુદ્ધમાં હિઝબુલ્લાહની એન્ટ્રી અને ઈરાનનો ઈનકાર

લેબનોનનું ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાહ હવે સત્તાવાર રીતે આ યુદ્ધમાં જોડાઈ ગયું છે. હિઝબુલ્લાહે જાહેર કર્યું છે કે તેઓ ખામેનેઈના મોતનો બદલો લેવા માટે ઈઝરાયેલ પર બોમ્બમારો કરી રહ્યા છે. દરમિયાન, ઈરાનના સુરક્ષા અધિકારી અલી લારીજાનીએ સ્પષ્ટ કર્યું છે કે ઈરાન અમેરિકા સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરશે નહીં.

અન્ય દેશો પર પણ હુમલાની લપેટ

ઈરાને માત્ર ઈઝરાયેલ જ નહીં, પરંતુ કતાર, બહેરીન અને સંયુક્ત આરબ અમીરાત (UAE) પર પણ હુમલા તેજ કર્યા છે. કુવૈતમાં એક અમેરિકી ફાઈટર પાઈલટે પોતાના જેટમાંથી કૂદીને જીવ બચાવવો પડ્યો હતો. સંઘર્ષ જે રીતે વધી રહ્યો છે તે જોતા આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ચિંતા વ્યાપી ગઈ છે.