રવિવારે રાત્રે અમેરિકા અને ઈઝરાયેલના સૈન્ય દળોએ ઈરાનના અત્યંત સંવેદનશીલ ‘નતાન્ઝ’ (Natanz) પરમાણુ પ્લાન્ટને નિશાન બનાવ્યો

તેહરાન/જીનીવા: ઈઝરાયેલ-અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધમાં આજે એક અત્યંત ચોંકાવનારો વળાંક આવ્યો છે. ઈરાને સત્તાવાર રીતે દાવો કર્યો છે કે રવિવારે રાત્રે અમેરિકા અને ઈઝરાયેલના સૈન્ય દળોએ ઈરાનના અત્યંત સંવેદનશીલ ‘નતાન્ઝ’ (Natanz) પરમાણુ પ્લાન્ટને નિશાન બનાવ્યો છે.
નતાન્ઝ પરમાણુ કેન્દ્ર પર મિસાઈલ પ્રહાર
IAEA (ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી) માં ઈરાનના રાજદૂતે પુષ્ટિ કરી છે કે આ સંયુક્ત હુમલામાં ઈરાનની મુખ્ય ન્યુક્લિયર ફેસિલિટીને નિશાન બનાવવામાં આવી છે. જોકે, આંતરરાષ્ટ્રીય નિરીક્ષકો અને IAEA ના ચીફ રાફેલ ગ્રોસીએ જણાવ્યું છે કે હાલમાં પરમાણુ સાઈટ પર સીધા નુકસાનના કોઈ પુરાવા મળ્યા નથી, પરંતુ ઈરાન સાથેનો સંપર્ક તૂટી ગયો છે.
યુદ્ધમાં અત્યાર સુધીમાં 555 ના મોત
ઈરાની રેડ ક્રેસેન્ટ સોસાયટીના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા આ લોહીયાળ જંગમાં ઈરાનમાં અત્યાર સુધીમાં 555 લોકોના મોત થયા છે. ઈરાનના 131 શહેરો અત્યારે ઈઝરાયેલ અને અમેરિકાના બોમ્બમારાની ઝપેટમાં છે. ઈઝરાયેલના સંરક્ષણ મંત્રીએ આ હુમલાઓને ‘પ્રિ-એમ્પટિવ સ્ટ્રાઈક’ ગણાવી છે, જેનો ઉદ્દેશ્ય ઈરાનની પરમાણુ ક્ષમતાને ખતમ કરવાનો છે.