સિંગાપોર પહોંચ્યો ત્યારે ઇમિગ્રેશનની તપાસમાં નકલી દસ્તાવેજોનો ભાંડો ફૂટ્યો, છેતરપિંડી કરનારા લોકોએ 4 લાખ પરત આપ્યો અને હવે 21 લાખ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી
ભરૂચ/વડોદરા: વિદેશ જવાની લાલચમાં વધુ એક ગુજરાતી યુવક છેતરપિંડીનો ભોગ બન્યો છે. ભરૂચના 27 વર્ષીય યુવક હર્ષને ન્યૂઝીલેન્ડમાં આલીશાન નોકરી અપાવવાનું કહી વડોદરાની ટોળકીએ 25 લાખ પડાવ્યા હતા. સિંગાપોર એરપોર્ટ પર પોલ ખુલતા યુવકને ભારત પરત ફરવું પડ્યું હતું, જે બાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
ઇન્સ્ટાગ્રામ પર કિચન હેડની નોકરીની લાલચ
ભરૂચના હર્ષ નામના યુવકે લગભગ બે વર્ષ પહેલાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર શિવાની જોશી નામની મહિલાની જાહેરાત જોઈ હતી. આ જાહેરાતમાં ન્યૂઝીલેન્ડમાં નોકરીની ઓફર કરવામાં આવી હતી. હર્ષે સંપર્ક કરતા શિવાનીએ તેને જણાવ્યું કે ન્યૂઝીલેન્ડની એક બર્ગર શોપમાં ‘કિચન હેડ’ની પોસ્ટ ખાલી છે. આ નોકરી માટે 30 લાખનો ખર્ચ જણાવવામાં આવ્યો હતો. વિશ્વાસ જીતવા માટે ઝૂમ કોલ દ્વારા નકલી ઇન્ટરવ્યુ પણ લેવામાં આવ્યો હતો.
કટકે કટકે 25 લાખ પડાવ્યા, બદલામાં આપ્યો ફેક કોન્ટ્રાક્ટ
નોકરી કન્ફર્મ થયાના નામે આરોપીઓએ હર્ષ પાસેથી અલગ-અલગ હપ્તામાં કુલ 25 લાખ પડાવ્યા હતા. જેમાં 10 લાખ રોકડા અને બાકીની રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરવામાં આવી હતી. પૈસા લીધા બાદ આરોપીઓએ હર્ષને એમ્પ્લોયમેન્ટ કોન્ટ્રાક્ટ અને ઇમિગ્રેશનના કાગળો પણ આપ્યા હતા, જેના આધારે હર્ષ મુંબઈથી ન્યૂઝીલેન્ડ જવા રવાના થયો હતો.
સિંગાપોર એરપોર્ટ પર ફેક ડોક્યુમેન્ટ્સની પોલ ખુલી
હર્ષ જ્યારે મુંબઈથી સિંગાપોર પહોંચ્યો ત્યારે ઇમિગ્રેશન તપાસ દરમિયાન તેના દસ્તાવેજો શંકાસ્પદ જણાયા હતા. ઓકલેન્ડ સ્થિત દૂતાવાસની પૂછપરછમાં બહાર આવ્યું કે હર્ષ પાસે રહેલા તમામ ઇમિગ્રેશન પેપર્સ નકલી (Fake) હતા. સિંગાપોરના અધિકારીઓએ તેને ન્યૂઝીલેન્ડમાં પ્રવેશ ન આપતા ભારત પરત મોકલી દીધો હતો. વિદેશની ધરતી પર પહોંચ્યા પહેલા જ યુવકનું સપનું અને લાખો રૂપિયા રોળાઈ ગયા હતા.
એક મહિલા સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ
ભારત પરત ફર્યા બાદ હર્ષે પોતાના પૈસા પરત માંગ્યા હતા, પરંતુ આરોપીઓએ તેને માત્ર 4 લાખ પરત કર્યા હતા. બાકીના 21 લાખ માટે એક વર્ષ સુધી ધક્કા ખવડાવ્યા બાદ આખરે હર્ષે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ કેસમાં શિવાની જોશી, વિનીત શાહ, નિખિલ ઠક્કર અને અંકિત રબારી વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે.
સોશિયલ મીડિયા પરની લાલચથી સાવધાન રહેવા અપીલ
આ કિસ્સો સોશિયલ મીડિયા પર આવતી વિદેશમાં નોકરીની જાહેરાતો સામે લાલબત્તી ધરે છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે કોઈ પણ એજન્ટ કે સંસ્થાને નાણાં ચૂકવતા પહેલા તેની અધિકૃતતાની તપાસ કરવી જોઈએ. ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર દેખાતી જાહેરાતોમાં લાલચાઈને લાખો રૂપિયા ગુમાવવાના કિસ્સાઓ વધી રહ્યા છે, તેથી નાગરિકોએ સાવધ રહેવું જરૂરી છે.