ભારતીય મંદિરમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, સવારે સુંદરકાંડના પાઠ અને મહાપ્રસાદ, જ્યારે સાંજે 11 હનુમાન ચાલીસાના પઠનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું






‘નમસ્કાર ગુજરાત ન્યૂઝ.’ ઓકલેન્ડ: ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં વસતા ભારતીય સમુદાય દ્વારા હનુમાન જયંતિના પવિત્ર તહેવારની અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સેન્ડ્રિંગહામ સ્થિત ભારતીય મંદિરમાં બજરંગબલીના જન્મોત્સવ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મંદિર પરિસર ‘જય શ્રી રામ’ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું.
ઉજવણીની શરૂઆત સવારના સત્રમાં સુંદરકાંડના સામૂહિક પાઠ સાથે થઈ હતી. ભક્તોએ અત્યંત શ્રદ્ધાપૂર્વક હનુમાનજીની આરાધના કરી હતી. પાઠની પૂર્ણાહુતિ બાદ તમામ ભક્તો માટે મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેનો સેંકડો શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે મંદિરને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું હતું, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
સાંજના સમયે ભક્તિનો માહોલ વધુ ઘેરો બન્યો હતો, જ્યારે મંદિરમાં સમૂહમાં ૧૧ વખત હનુમાન ચાલીસાના પઠનનો કાર્યક્રમ યોજાયો હતો. આ આયોજનમાં અબાલ-વૃદ્ધ સૌ કોઈ જોડાયા હતા અને શિસ્તબદ્ધ રીતે હનુમાનજીની સ્તુતિ કરી હતી. ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન દ્વારા દર્શન અને વ્યવસ્થાના પૂરતા પ્રબંધો કરવામાં આવ્યા હતા. આ રીતે, સાત સમુદ્ર પાર ન્યુઝીલેન્ડની ધરતી પર ભારતીય સંસ્કૃતિ અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.