ગુજરાતમાં લોકસભાની ચૂંટણી હાલ ક્ષત્રિય આંદોલનમાં અટવાઈ ગઈ છે અને ઠેક ઠેકાણે ભાજપના કાર્યક્રમોનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે હાલમાં
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના મતવિસ્તાર ગાંધીનગરમાં છે,તેમને જ્યારે પત્રકારે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજમાં વિરોધ મામલે સવાલ કર્યો ત્યારે તેઓએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે પરષોત્તમ રૂપાલાએ માફી માંગી ચૂક્યા છે અને હું પણ માફી માંગુ છું.

તેઓએ ઉમેર્યું કે હવે ક્ષત્રિયોમાં કોઈ નારાજગી રહી નથી તેમજ ક્ષત્રિયો સહિત દેશવાસીઓ ભાજપને સાથ આપી આ વખતે ફરી ગુજરાતમાં કમળ ખિલવશે તે નક્કી હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

બીજી તરફ ક્ષત્રિય સમાજ પોતાની વાત ઉપર અડગ છે અને જો 19 સુધીમાં તેઓ ઉમેદવારી ફોર્મ પરત નહિ ખેંચે તો ઉગ્ર આંદોલનના સંકેત આપ્યા છે ત્યારે હવે રૂપાલા ઉમેદવારીપત્રક પાછુ ખેંચશે કે કેમ? તે અંગે અનેક અટકળો ઉભી થઇ છે ત્યારે આ બધી ચર્ચાઓ વચ્ચે ખૂદ રૂપાલાએ જ ઉમેદવારીપત્રક પાછુ ખેંચવા ભાજપ હાઇકમાન્ડ સમક્ષ મંજુરી માંગી હોવાનો મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ પણ ગુજરાત આવીને તરત રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના મુદે બેઠક યોજી સ્થિતિની સમિક્ષા કરી હતી અને રૂપાલા મુદે ભાજપ હાઇકમાન્ડ નિર્ણાયક મોડમાં આવી ગયાનું માનવામાં આવે છે ત્યારે આજકાલમાં કોઈ નવી જાહેરાત થવાની પણ શકયતા વ્યક્ત થઈ રહી છે.