સમગ્ર વિશ્વમાં ખાલિસ્તાની સમર્થકો ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું કામ કરી રહ્યા છે ત્યારે કેનેડામાં શીખ સમુદાય દ્વારા ગયા રવિવારે એટલે કે તા.28 એપ્રિલના રોજ ટોરોન્ટોમાં ખાલસા દિવસ અને શીખ નવા વર્ષની ઉજવણી થઈ.
જેમાં સૌનું ધ્યાન ખેંચે તેવી બાબત એ હતી કે આ કાર્યક્રમમાં ખુદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પણ હાજર રહયા હતા એટલું જ નહીં પણ ટ્રુડોના સંબોધન દરમિયાન જ ‘ખાલિસ્તાન ઝીંદાબાદ’ના નારા લાગ્યા હતા.

કેનેડા ખાલિસ્તાન આતંકીઓનો અડ્ડો બની ગયું હોવાની આ વાત ટ્રુડોની હાજરીમાં જોવા મળી હોવાનો મત પ્રવર્તી રહ્યો છે પરિણામે ટ્રુડોના ભારત સાથે સંબંધો ખરાબ થઈ રહયા હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વિદેશ મંત્રી જયશંકર અગાઉ ટ્રુડો સરકાર પર ખાલિસ્તાની આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ લગાવી ચુક્યા છે.

ટ્રુડોએ આ વખતે કોલ પણ આપ્યો કે તેઓ હંમેશા કેનેડામાં વસતા આઠ લાખ શીખોના હિતો, અધિકારો અને તેઓની સ્વતંત્રતાઓની રક્ષા કરશે. કેનેડાની સૌથી મોટી શક્તિઓમાંની એક તેની વિવિધતા છે.

ટ્રુડોએ ઉમેર્યું, શીખ સમુદાયના મૂલ્યો કેનેડાના મૂલ્યો છે, ગુરુદ્વારા સહિત તમામ ધર્મસ્થળોની સુરક્ષા વધારવામાં આવી રહી છે. કોઈપણ વ્યક્તિ કોઈપણ ચિંતા વગર કેનેડામાં તેના ધર્મનું પાલન કરી શકે છે.

‘ખાલસા દિવસ’ આયોજિત આ કાર્યક્રમમાં ટ્રુડો સહિત કેનેડાની વિપક્ષી પાર્ટીઓના નેતા પિયરે પોઈલીવરે અને જગમીત સિંહ પણ હાજર હતા. તેમના ભાષણ દરમિયાન ખાલિસ્તાન ઝિંદાબાદના નારા પણ લગાવવામાં આવ્યા હતા.

શીખ સમુદાયે રવિવારે ટોરોન્ટોના ડાઉનટાઉનમાં વૈશાખી
(ખાલસા દિવસ)ના તહેવારની ઉજવણી કરી હતી. આ.દરમિયાન એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો લોકો જોડાયા હતા.
ઓન્ટારિયો શીખ અને ગુરુદ્વારા કાઉન્સિલ (OSGC) દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ જૂથ દર વર્ષે ખાલસા દિવસ નિમિત્તે વાર્ષિક પરેડનું આયોજન કરે છે.

આમ,કેનેડામાં PM જસ્ટિન ટ્રુડોની હાજરીમાં ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ના નારા લાગતા વિદેશમાં કેનેડામાં ચાલતી ખાલીસ્તાન ચળવળની વાત ખુલ્લી પડી ગઈ છે.