ઓસ્ટ્રેલિયાના ઉર્જા મંત્રી ક્રિસ બોવેને સંસદમાં સમગ્ર દેશને આપી માહિતી, સમુદ્રમાં રહેલા જહાજોમાં ઓસ્ટ્રેલિયા આવી રહેલું ફ્યુલ પણ સામેલ
કેનબરા: મધ્ય-પૂર્વમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવની સીધી અસર હવે ઓસ્ટ્રેલિયાના ઈંધણ પુરવઠા પર જોવા મળી રહી છે. ઓસ્ટ્રેલિયાના ઉર્જા મંત્રી ક્રિસ બોવેને સંસદમાં કબૂલાત કરી છે કે દેશ પાસે હવે ગણતરીના દિવસો ચાલે તેટલો જ પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક બાકી છે. એક્સપર્ટ્સ માની રહ્યા છે કે આગામી એક સપ્તાહમાં પેટ્રોલના ભાવમાં 10% સુધીનો વધારો થઈ શકે છે.
માત્ર 34 દિવસનો ડીઝલ સ્ટોક બાકી
સંસદમાં સવાલોના જવાબ આપતા ઉર્જા મંત્રી ક્રિસ બોવેને જણાવ્યું હતું કે, હાલમાં ઓસ્ટ્રેલિયા પાસે 34 દિવસનો ડીઝલ, 32 દિવસનો જેટ ફ્યુઅલ (વિમાન માટેનું બળતણ) અને 36 દિવસનો પેટ્રોલ સ્ટોક ઉપલબ્ધ છે. જોકે, તેમણે દાવો કર્યો હતો કે છેલ્લા 15 વર્ષમાં આ સૌથી વધુ સ્ટોક છે. અગાઉ આ સ્ટોક અમેરિકાના ટેક્સાસ અને લુઈસિયાનામાં રાખવામાં આવતો હતો, પરંતુ વર્તમાન સરકારે તેને ઓસ્ટ્રેલિયાની સરહદોની અંદર જ રાખવાનો નિર્ણય લીધો છે.
સમુદ્રમાં રહેલા જહાજોના ભરોસે પુરવઠો
સાંસદ બાર્નાબી જોયસે જ્યારે પૂછ્યું કે શું આ બધો સ્ટોક ઓસ્ટ્રેલિયાની ધરતી પર છે? ત્યારે મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે આ આંકડાઓમાં ઓસ્ટ્રેલિયાની ધરતી પર રહેલા સ્ટોકની સાથે સાથે સમુદ્રમાં (Exclusive Economic Zone) રહેલા અને ઓસ્ટ્રેલિયા તરફ આવી રહેલા જહાજોના સ્ટોકનો પણ સમાવેશ થાય છે. ટીકાકારોનું કહેવું છે કે જો યુદ્ધ વધે તો આ જહાજોના રૂટ બદલાઈ શકે છે, જે ઓસ્ટ્રેલિયા માટે મોટું જોખમ સાબિત થઈ શકે.
આગામી 7 થી 10 દિવસમાં ભાવ વધારાની ચેતવણી
NRMA (નેશનલ રોડ્સ એન્ડ મોટરિસ્ટ્સ એસોસિએશન) ના પ્રવક્તા પીટર ખોરીએ ચેતવણી આપી છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં આવતા ઉછાળાની અસર ઓસ્ટ્રેલિયામાં સામાન્ય રીતે 7 થી 10 દિવસ પછી દેખાય છે. તેમણે અનુમાન લગાવ્યું છે કે પેટ્રોલના ભાવમાં 10% સુધીનો વધારો થઈ શકે છે. જોકે, તેમણે લોકોને ગભરાઈને ‘પેનિક બાયિંગ’ (વધારે સ્ટોક કરી લેવો) ન કરવાની પણ અપીલ કરી છે.
તેલ કંપનીઓ પર પોલીસની નજર
પીટર ખોરીએ તેલ કંપનીઓને પણ કડક શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે, “કંપનીઓ આ યુદ્ધના સમાચારને બહાનું બનાવીને ભાવમાં તોતિંગ વધારો ન કરે. અમે દરેક પંપ પર કિંમતો પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ.” અગાઉ જ્યારે ઈઝરાયેલે ઈરાન પર હુમલો કર્યો હતો ત્યારે પણ આવી જ આગાહીઓ થઈ હતી, પરંતુ તેલના ભાવમાં ઉતાર-ચઢાવ આવ્યા બાદ સ્થિતિ થાળે પડી હતી.