લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ચાલુ છે ત્યારે પશ્ચિમ બંગાળમાં હિંસાના અહેવાલ છે.
જે અહેવાલો સામે આવી રહયા છે તેમાં કૂચબિહારના ચાંદમારી ગામ નજીક બે જૂથો સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો થયો હતો. ભાજપનો આરોપ છે કે, ચાંદમારીમાં મતદારોને રોકવા માટે ટીમએસીના સમર્થકો દ્વારા આ પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં ભાજપના પોલિંગ એજન્ટ પણ ઘાયલ થયા છે.
જ્યારે પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય મંત્રી નિશીથ પ્રામાણિકના ઘર પાસે બોમ્બ મળતા પોલીસે સ્થળે પહોંચીને બોમ્બને નિષ્ક્રિય કર્યો હતો.
આજે પશ્ચિમ બંગાળની ત્રણ સીટો પર મતદાન ચાલુ છે ત્યારે કૂચ બિહારના ચાંદમારી વિસ્તારમાં ભાજપના બૂથ પ્રમુખ લોબ સરકાર પર હુમલો થતા તેઓને માથામાં ગંભીર ઈજા થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એ જ રીતે ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો થતાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરને પણ માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. રાજાખોરા વિસ્તાર અને કૂચ બિહારમાં પણ આવી સ્થિતિ છે. આ વિસ્તારમાં શાસક અને વિરોધ પક્ષના કાર્યકરો વચ્ચે હુમલાઓ અને વળતા હુમલા થયા હતા, જેના પગલે તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ બંનેના કાર્યાલયોમાં તોડફોડ કરવામાં આવી હતી.
પશ્ચિમ બંગાળમાં કુચ બિહાર, અલીપુરદ્વાર અને જલપાઈગુડી લોકસભા સીટો પર શુક્રવારે શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું હતું અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે, એમ ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું. રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા આ ત્રણ મતવિસ્તારમાંથી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિસિથ પ્રામાણિક સહિત કુલ 37 ઉમેદવારો મેદાનમાં છે. આ ત્રણેય બેઠકો પર કુલ 56.26 લાખ લોકો મતદાન કરવા પાત્ર છે. ત્રણેય બેઠકો અનામત છે. કૂચ બિહાર અને જલપાઈગુડી અનુસૂચિત જાતિ માટે અને અલીપુરદ્વાર અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત છે.