દેશમાં 18મી લોકસભાની ચૂંટણીમાં ગતરોજ પ્રથમ અને સૌથી મોટા તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર સરેરાશ 68.29 ટકા મતદાન નોંધાયું છે.
આ સાથેજ 1,625 મતદારોનું ભાવિ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં કેદ થયું હતુ.

મહત્વનું છે કે ગત વખતે પ્રથમ તબક્કામાં 69.43 ટકા મતદાન થયું હતુ,આ વખતે લગભગ 1.14% ઓછું મતદાન થયું છે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર શુક્રવારે સાંજે 7 વાગ્યા સુધી લક્ષદ્વીપ સીટ પર સૌથી વધુ 83.88 ટકા મતદાન થયું હતું.
આ પછી, બંગાળના જલપાઈગુડીમાં 82.15% અને ત્રિપુરા પશ્ચિમ સીટ પર 81.62% મતદાન થયું.
પશ્ચિમ બંગાળની ત્રણ બેઠકો પર સરેરાશ 80.55 ટકા મતદાન થયું હતું. આ સિવાય અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, પુડુચેરી અને સિક્કિમમાં 70% થી વધુ મતદાન થયું છે.
બિહાર એકમાત્ર એવું રાજ્ય હતું જ્યાં 50%થી ઓછું મતદાન થયું હતું. ઘણા મહિનાઓથી હિંસાગ્રસ્ત મણિપુરમાં 72.17% મતદાન નોંધાયું હતું. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર મોડી રાત સુધી મતદાનના આંકડામાં સુધારો થવાની સંભાવના છે.

પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં છૂટાછવાયા હિંસા, મણિપુરમાં કેટલીક જગ્યાએ ગોળીબારની ઘટના બની હતી.
છત્તીસગઢમાં, આકસ્મિક ગ્રેનેડ લોન્ચર શેલ વિસ્ફોટને કારણે એક CRPF જવાનનું મૃત્યુ થયું હતું અને બીજાપુરમાં IED વિસ્ફોટમાં એક અધિકારી ઘાયલ થયો હતો.
સાંજે 6 વાગ્યા પછી પણ ઘણા બૂથ પર લોકો કતારમાં ઉભા જોવા મળ્યા હતા. તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને આસામના કેટલાક કેન્દ્રો પર ઈવીએમમાં ​​નાની-મોટી ખામી હોવાની ફરિયાદો મળી હતી, લગભગ 150 ઈવીએમ બદલવા પડ્યા હતા. આ ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ સતત ત્રીજી વખત સરકાર બનાવવા માટે જનાદેશ માંગી રહ્યું છે, જ્યારે કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષી ગઠબંધન દસ વર્ષના વનવાસ બાદ સત્તામાં આવવા માટે સખત પ્રયાસ કરી રહ્યું છે.
મોટાભાગના પ્રી-પોલ સર્વેમાં NDAની જીતની આગાહી કરવામાં આવી છે.