વિદ્યાર્થીઓના કામના કલાકો દર પખવાડિયે 48 કલાકથી વધારીને 60 કલાક કરવામાં આવશે, હાલ સેમેસ્ટર દરમિયાન 48 કલાક અને રજાઓમાં અમર્યાદિત કલાકો કામ કરવાની છૂટ

મેલબોર્ન/નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા ઈચ્છતા અને ત્યાં રહીને ભણતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. એક તરફ વિરોધ પક્ષે કામના કલાકો વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે, તો બીજી તરફ ભારતને ‘હાઈ-રિસ્ક’ કેટેગરીમાં મૂકવામાં આવતા વિઝા મેળવવા મુશ્કેલ બન્યા છે.

લઘુત્તમ વેતન અને કામના અધિકારો

ઓસ્ટ્રેલિયામાં કામ કરતા તમામ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય રોજગાર ધોરણો (National Employment Standards) હેઠળ લઘુત્તમ વેતન મેળવવા માટે હકદાર છે. દરેક વિદ્યાર્થીએ પોતાની આવક પર ટેક્સ ચૂકવવો પડે છે અને એમ્પ્લોયર પાસેથી પે-સ્લિપ મેળવવી જરૂરી છે. હાલના નિયમ મુજબ, સેમેસ્ટર દરમિયાન 48 કલાક અને રજાઓમાં અમર્યાદિત કલાકો કામ કરવાની છૂટ છે, જ્યારે રિસર્ચ અને PhD વિદ્યાર્થીઓ માટે કોઈ મર્યાદા નથી.

કામના કલાકોમાં વધારાનો પ્રસ્તાવ

ઓસ્ટ્રેલિયાના મુખ્ય વિરોધ પક્ષ (લિબરલ-નેશનલ કોએલિશન) એ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે કામ કરવાની મર્યાદા વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવ મુજબ, 1જુલાઈ, 2026થી વિદ્યાર્થીઓના કામના કલાકો દર પખવાડિયે 48 કલાકથી વધારીને 60 કલાક કરવામાં આવશે. જોકે, આ સાથે જ વાર્ષિક નવા સ્ટુડન્ટ વિઝાની સંખ્યા ઘટાડીને 240,000 સુધી મર્યાદિત રાખવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે.

અરજી કરવાની પ્રક્રિયા અને શરતો

વિદ્યાર્થીઓએ ઓસ્ટ્રેલિયાના વિઝા માટે અરજી કરતા પહેલા કોઈ પણ માન્ય શિક્ષણ સંસ્થામાં એડમિશન મેળવીને Confirmation of Enrolment (CoE) મેળવવું જરૂરી છે. સબક્લાસ 500 વિઝા હેઠળ વિદ્યાર્થીઓ તેમના કોર્સના સમયગાળા સુધી અથવા મહત્તમ ૫ વર્ષ સુધી ઓસ્ટ્રેલિયામાં રહી શકે છે અને મુસાફરી કરી શકે છે.

વિઝા ફીમાં ધરખમ વધારો

ઓસ્ટ્રેલિયન સરકારે 1 જુલાઈ, 2025 થી વિઝા અરજી ફીમાં મોટો વધારો અમલી બનાવ્યો છે. સ્ટુડન્ટ વિઝા (સબક્લાસ ૫૦૦) માટેની ફી AUD 1600 થી વધારીને AUD 2000 (આશરે ₹1.10 લાખ) કરવામાં આવી છે. આ ઉપરાંત, જો 18 વર્ષથી મોટી ઉંમરના વધારાના અરજદાર હોય તો $1225 અને 18 વર્ષથી નીચેના માટે $400ની વધારાની ફી ચૂકવવી પડશે.