45 મિનિટ સુધી પૂરના પાણીમાં ફસાયા બાદ બ્રિજેશ પટેલ અને વ્રજ પટેલનું રેસ્ક્યુ કરાયું, કાવાકાવાથી ફાંગારેઈ પરત ફરતી વેળાએ બંને યુવકો પાણીમાં ફસાયા હતા

ફોટો કર્ટેસી : રોમિન ડોબરિયા

નમસ્કાર ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ :
ન્યૂઝીલેન્ડના નોર્થલેન્ડમાં કુદરતનો કહેર વરસી રહ્યો છે, ત્યારે ફાંગારેઈ (Whangārei) નજીક પૂરના પાણીમાં ફસાયેલા બે ગુજરાતી યુવાનો, બ્રિજેશ પટેલ અને વ્રજ પટેલનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ બંને મિત્રો કાવાકાવાથી વાંગારેઈ પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તા પર પાણીનું સ્તર ઓછું હતું. પરંતુ પરત ફરતી વખતે અચાનક જળસ્તર વધી જતાં તેમની ઈલેક્ટ્રિક કાર પૂરના પાણીની વચ્ચે ફસાઈ ગઈ હતી.

ગાડીની અંદર પાણી ઘૂસવાનું શરૂ થયું: મિત્રનો આપવીતી અહેવાલ

તેમના મિત્ર રોમિન ડોબરિયાએ ‘નમસ્કાર ગુજરાત’ સાથે વાત કરતા આ ભયાનક અનુભવની વિગતો શેર કરી હતી:

“પાણીનું લેવલ એટલી ઝડપથી વધ્યું કે જોતજોતામાં ગાડીની અંદર પાણી ભરાવવાનું શરૂ થઈ ગયું હતું. યુવાનોએ સૌથી પહેલા મને ફોન કરીને જાણ કરી હતી અને હું તેમને લેવા માટે પણ પહોંચ્યો હતો. સદનસીબે, સમયસૂચકતા વાપરીને કોઈએ તાત્કાલિક પોલીસ અને રેસ્ક્યુ ટીમને જાણ કરી દીધી હતી.”

પોલીસ અને રેસ્ક્યુ ટીમની ત્વરિત કામગીરી

રેસ્ક્યુ ટીમ અને પોલીસ ઘટનાસ્થળે તુરંત પહોંચી ગઈ હતી અને પાણીનું સ્તર જીવલેણ બને તે પહેલા જ બ્રિજેશ અને વ્રજને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. રોમિનભાઈએ ઉમેર્યું હતું કે, “ભગવાનની કૃપા રહી કે બંને મિત્રો સુરક્ષિત છે, જોકે ઈલેક્ટ્રિક ગાડી હોવાને કારણે કારને મોટું નુકસાન થયું છે.”

@NZ Herald

ફાંગારેઈ અને ફાર નોર્થમાં ‘સ્ટેટ ઓફ ઇમરજન્સી’ જાહેર

નોર્થલેન્ડમાં વરસી રહેલા આ વિનાશક વરસાદને પગલે સ્થિતિ અત્યંત ગંભીર બની છે. વાંગારેઈ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ અને ફાર નોર્થ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ દ્વારા આગામી સાત દિવસ માટે સત્તાવાર રીતે કટોકટી (State of Emergency) જાહેર કરવામાં આવી છે. આ વિસ્તારોમાં રેડ હેવી રેઈન વોર્નિંગ હજુ પણ અમલમાં છે, જેના કારણે અનેક રસ્તાઓ બંધ છે અને હજારો લોકો અસરગ્રસ્ત થયા છે.