રવિ વાજપેયી. આવાઝ ન્યૂઝ.ઓકલેન્ડ: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગામી જુલાઈ મહિનાની પ્રસ્તાવિત ન્યુઝીલેન્ડ મુલાકાત પૂર્વે સ્થાનિક સ્તરે રાજદ્વારી અને સામાજિક ગરમાવો આવી ગયો છે. ડેસ્ટિની ચર્ચના કટ્ટરપંથી નેતા બ્રાયન ટામાકી દ્વારા સોશિયલ મીડિયા પર ન્યુઝીલેન્ડમાં વસતા હિન્દુ, શીખ અને મુસ્લિમ સમુદાય વિરુદ્ધ અત્યંત ઉશ્કેરણીજનક ટિપ્પણીઓ કરવામાં આવ્યા બાદ ન્યુઝીલેન્ડ પોલીસ સક્રિય થઈ ગઈ છે અને ભારતીય સમુદાયના નેતાઓનો સંપર્ક કરીને સુરક્ષાની ખાતરી આપી છે.
ન્યુઝીલેન્ડના એથનિક કોમ્યુનિટીઝ (વંશીય સમુદાયોના) મંત્રી માર્ક મિશેલે ટામાકીના આ કૃત્યને “એક ડરેલા ગુંડાની હરકતો” (actions of a scared bully) ગણાવીને તેની આકરી આલોચના કરી છે.
શું છે ટામાકીનું વિવાદાસ્પદ નિવેદન?
બ્રાયન ટામાકીએ ફેસબુક પર વીડિયો પોસ્ટ કરીને ભારતના પીએમ નરેન્દ્ર મોદીને “મોન્સ્ટર” (રાક્ષસ) ગણાવ્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે તેઓ ભારતમાં ખ્રિસ્તીઓની હત્યા કરી રહ્યા છે અને ચર્ચ સળગાવી રહ્યા છે. જોકે, ભારતના બંધારણમાં તમામ ધર્મોને સમાન આઝાદી મળેલી હોવા છતાં, ટામાકીએ આ પાયાવિહોણા આક્ષેપના આધારે ન્યુઝીલેન્ડના લઘુમતીઓ પર નિશાન સાધ્યું હતું.
ટામાકીએ વીડિયોમાં ખુલ્લેઆમ કહ્યું:
“આપણે પણ અહીં જેવા સાથે તેવો (Tit for tat) વ્યવહાર કરવો જોઈએ. ચાલો આપણે ન્યુઝીલેન્ડમાંથી હિન્દુઓ, શીખો અને મુસ્લિમોને હાંકી કાઢીએ. જો તેઓ ત્યાં ચર્ચ સળગાવતા હોય, તો આપણે અહીં મસ્જિદો અને તેમના મંદિરો કેમ ન સળગાવીએ?”
વિશ્લેષકોના મતે, ટામાકી અગાઉ માત્ર પીએમ મોદીની નીતિઓનો વિરોધ કરતો હતો, પરંતુ તેનું આ તાજેતરનું નિવેદન ન્યુઝીલેન્ડમાં વસતા સમગ્ર ભારતીય અને લઘુમતી સમુદાયો સામે સીધી નફરત ફેલાવનારી અત્યંત ગંભીર સળગતી ભાષા (Hate Speech) સમાન છે.
ન્યુઝીલેન્ડ પોલીસ એક્શનમાં: કાયદાકીય તપાસ શરૂ
ઇન્ડિયન કોમ્યુનિટી લીડર્સને મોકલેલા સત્તાવાર પત્રમાં, ઇવી એન્ડ કોમ્યુનિટી પાર્ટનરશિપના એક્ટિંગ આસિસ્ટન્ટ કમિશનર ફિલિપ તાઈકાતો (Phillip Taikato) એ જણાવ્યું છે કે પોલીસ આ ઓનલાઇન કન્ટેન્ટથી સંપૂર્ણ વાકેફ છે.
પોલીસે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું:
“પીએમ મોદીની મુલાકાત પૂર્વે ઓનલાઇન સામે આવેલી વિગતો સમુદાયો માટે ચિંતાજનક હોઈ શકે છે. અમે ભારતીય અને વ્યાપક વંશીય સમુદાયોને ખાતરી આપવા માંગીએ છીએ કે તેમની સુરક્ષા અને સુખાકારી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. આ સમગ્ર સામગ્રીને કાયદાકીય મૂલ્યાંકન (Legal Assessment) માટે મોકલવામાં આવી છે અને હ્યુમન રાઇટ્સ એક્ટ (માનવ અધિકાર કાયદા) ની મર્યાદાઓ હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.”
પોલીસે કમ્યુનિટીના લોકોને અપીલ કરી છે કે જો તેઓ અસુરક્ષિત અનુભવે અથવા કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જુએ, તો તાત્કાલિક કટોકટીના સમયે 111 પર અને અન્ય સામાન્ય બાબતો માટે 105 પર પોલીસનો સંપર્ક કરે.
પીએમ મોદીના સ્વાગત માટે ઓકલેન્ડમાં ભવ્ય તૈયારીઓ
બીજી તરફ, ન્યુઝીલેન્ડમાં વસતા અંદાજે 3,40,000 જેટલા ભારતીય મૂળના લોકોમાં પીએમ મોદીની મુલાકાતને લઈને ભારે ઉત્સાહ છે. તેમના ભવ્ય સ્વાગત અને સામુદાયિક સંબોધન માટે ‘kiaoramodi.co.nz’ નામની સત્તાવાર વેબસાઇટ પણ લોન્ચ કરવામાં આવી છે.
સ્પાર્ક એરેના (Spark Arena) ફાઇનલ: સુરક્ષા એજન્સીઓ અને આયોજકો દ્વારા પીએમ મોદીના કાર્યક્રમ માટે ઓકલેન્ડના પ્રખ્યાત ‘સ્પાર્ક એરેના’ સ્ટેડિયમને ફાઇનલ કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ ભારતથી આવેલી વિશેષ સુરક્ષા ટીમે આ સ્થળની રેકી (સુરક્ષા સમીક્ષા) કરી હતી. આ પૂર્વે ઓપન ગ્રાઉન્ડ ધરાવતા ઇડન પાર્ક (Eden Park) ની પણ ચર્ચા હતી, પરંતુ સુરક્ષાના કારણોસર ઇન્ડોર સ્ટેડિયમ એવા સ્પાર્ક એરેનાની પસંદગી કરાઈ છે, જેની ક્ષમતા 12,000 લોકોની છે.
80,000 લોકોનો ભારે ધસારો: સ્થાનિક કમિટીના અહેવાલ મુજબ, ન્યુઝીલેન્ડની લગભગ 120 જેટલી ભારતીય સામાજિક સંસ્થાઓએ આ કાર્યક્રમમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ સંસ્થાઓ દ્વારા જ અંદાજે 80,000 થી વધુ લોકોએ પીએમ મોદીને સાંભળવા માટે ટિકિટ મેળવવાનો આગ્રહ રાખ્યો છે, જેના કારણે સ્પાર્ક એરેના હાઉસફુલ થવાનું નક્કી છે.
7 જુલાઈએ ટામાકીના આંદોલનની ચીમકી
બ્રાયન ટામાકીએ પીએમ મોદીના આ પ્રસ્તાવિત સ્વાગત કાર્યક્રમનો વિરોધ કરવા માટે આગામી 7 જુલાઈના રોજ ઓકલેન્ડના આઓટીઆ સેન્ટર (Aotea Centre) ખાતે “એન્ટી-માસ ઇમિગ્રેશન હાકા” (Anti-Mass Immigration HAKA) આંદોલનની જાહેરાત કરી છે. ટામાકીએ પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે, “જો 20,000 ભારતીયો ઓકલેન્ડમાં આવી શકતા હોય, તો દેશના ભવિષ્ય માટે લડવા 30,000 કીવીઓએ (સ્થાનિક નાગરિકોએ) રસ્તા પર ઉતરવું પડશે. આ ન્યુઝીલેન્ડ છે, ભારત નહીં.”
અગાઉ પણ ડેસ્ટિની ચર્ચના કાર્યકરો દ્વારા સમુદ્રી બ્રિજ જામ કરવાનો અને શીખ સમુદાયના ધાર્મિક નગર્કિર્તનોમાં વિઘ્ન નાખવાનો પ્રયાસ કરાયો હતો, જેને જોતા ન્યુઝીલેન્ડ પ્રશાસન આ વખતે પીએમ મોદીની સુરક્ષા અને સામાજિક શાંતિ જાળવવા માટે કોઈ કસર બાકી રાખવા માંગતું નથી.