પ્રશાંત કિશોરે ૧૯,૩૨૪ મતોની સરસાઈથી જીત હાંસલ કરી, ભાજપના ગઢ બાંકીપુરમાં જન સુરાજ પાર્ટીનું ખાતું ખુલ્યું, મધ્ય પ્રદેશની દતિયા બેઠક ભાજપે ગુમાવી

દેશના ત્રણ રાજ્યોની મહત્વની વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. જેમાં બિહારની હાઈ-પ્રોફાઈલ બાંકીપુર બેઠક પરથી જન સુરાજ પાર્ટીના વડા પ્રશાંત કિશોરે ભવ્ય જીત નોંધાવી છે. આ સિવાય મધ્ય પ્રદેશની દતિયા બેઠક પર કોંગ્રેસે અને ગુજરાતની માંજલપુર બેઠક પર ભાજપે પોતાની જીત જાળવી રાખી છે. ૩૦ જુલાઈના રોજ યોજાયેલા આ મતદાન બાદ આવેલા પરિણામો રાજકીય દ્રષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.
બાંકીપુર વિધાનસભા (બિહાર): પ્રશાંત કિશોરની મોટી જીત પટનાના શહેરી વિસ્તાર અને ભાજપના પરંપરાગત ગઢ ગણાતી બાંકીપુર બેઠક પરથી જન સુરાજ પાર્ટીના પ્રશાંત કિશોરે ૧૯,૩૨૪ મતોની સરસાઈથી જીત હાંસલ કરી છે.
- પ્રશાંત કિશોર (જન સુરાજ): ૬૪,૧૫૧ મત
- નીરજ કુમાર (ભાજપ): ૪૪,૮૨૭ મત
- રેખા કુમારી (RJD): ૧૪,૨૭૩ મત
અગાઉ ૨૦૨૫ ની વિધાનસભા ચૂંટણીમાં જન સુરાજ પાર્ટી એક પણ બેઠક જીતી શકી નહોતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ નીતિન નવીન રાજ્યસભામાં ચૂંટાતા આ બેઠક ખાલી પડી હતી, જ્યાં પ્રથમ વખત પોતે ઉમેદવાર તરીકે ઊતરીને પ્રશાંત કિશોરે ભાજપના આ ગઢમાં જીત મેળવી રાજકીય સમીકરણો બદલી નાખ્યા છે.
દતિયા વિધાનસભા (મધ્ય પ્રદેશ): કોંગ્રેસનો કબ્જો બરકરાર મધ્ય પ્રદેશની દતિયા બેઠક પર ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર ઘનશ્યામ સિંહે ભાજપના આશુતોષ તિવારીને ૬,૦૧૬ મતોથી પરાજય આપ્યો છે.
- ઘનશ્યામ સિંહ (કોંગ્રેસ): ૬૬,૭૫૭ મત
- આશુતોષ તિવારી (ભાજપ): ૬૦,૭૪૧ મત
પૂર્વ મંત્રી નરોત્તમ મિશ્રાને ટિકિટ ન આપવાના ભાજપના નિર્ણય અને સમર્થકોની નારાજગી વચ્ચે RSS પૃષ્ઠભૂમિ ધરાવતા આશુતોષ તિવારીની હારથી ભાજપ માટે સ્થાનિક સ્તરે આત્મમંથનની સ્થિતિ સર્જાઈ છે.
માંજલપુર વિધાનસભા (ગુજરાત): ભાજપનો ગઢ અકબંધ વડોદરાની માંજલપુર બેઠક પર ભાજપના સત્યેન્દ્રભાઈ પટેલ (સત્યેન પટેલ) નો ભવ્ય વિજય થયો છે. તેમણે કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ ભીખાભાઈ રબારીને ૩૦,૬૩૦ મતોના મોટા માર્જિનથી હરાવ્યા છે. આ બેઠક પર સતત ૮ વખત વિજેતા રહેલા ભાજપના વરિષ્ઠ નેતા યોગેશ પટેલના નિધન બાદ પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપે પોતાનો પરંપરાગત દબદબો જાળવી રાખ્યો છે.