NZQA માન્યતાપ્રાપ્ત પ્રથમ કોર્સ શરૂ, સ્વયંસેવક સમુદાયના 135 વર્ષના ઇતિહાસ બાદ ‘ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિખ સ્ટડીઝ’ ને મળી માન્યતા

ન્યૂઝીલેન્ડમાં શિખ સમુદાયની 135 વર્ષથી વધુ સમયની ઉપસ્થિતિ બાદ પ્રથમ વખત પંજાબી ભાષાના શિક્ષણે દેશની સત્તાવાર ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં પ્રવેશ કર્યો છે. ‘ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિખ સ્ટડીઝ ન્યૂઝીલેન્ડ’ (ISSNZ) ને ન્યૂઝીલેન્ડ ક્વોલિફિકેશન્સ ઓથોરિટી (NZQA) દ્વારા રજિસ્ટર્ડ પ્રાઈવેટ ટ્રેનિંગ એસ્ટાબ્લિશમેન્ટ (PTE) તરીકે માન્યતા આપવામાં આવી છે. આ માન્યતા મળતાં જ સંસ્થાએ રાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત એવો ‘સર્ટિફિકેટ ઈન પંજાબી લેંગ્વેજ (લેવલ 3)’ કોર્સ લોન્ચ કર્યો છે.

આ નવો કોર્સ મોટે ભાગે સ્વયંસેવકો અને સામુદાયિક વર્ગો પર આધારિત મોડેલથી એક મોટો અને મહત્વનો બદલાવ દર્શાવે છે. સંસ્થાના પ્રતિનિધિ ગુરજોત સિંઘના જણાવ્યા અનુસાર, દાયકાઓથી ચાલી આવતી સામુદાયિક પહેલોએ ભાષા અને સંસ્કૃતિને જીવંત રાખવામાં અમૂલ્ય ભૂમિકા ભજવી છે, પરંતુ તેનાથી સત્તાવાર લાયકાત મળતી નહોતી. હવે રજિસ્ટર્ડ સંસ્થા તરીકે ISSNZ રાષ્ટ્રીય માળખા હેઠળ કોર્સિસ વિકસાવી અને મૂલ્યાંકન કરી શકશે. સફળતાપૂર્વક અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને તેમના NZQA ‘રેકોર્ડ ઓફ એચિવમેન્ટ’ પર સત્તાવાર લાયકાત મળશે.

પાપાટોએટોએ ખાતે ગુરુદ્વારા ગુરુ તેગ બહાદુર જી ખાતે આ આયોજિત કાર્યક્રમમાં સ્થાનિક સાંસદ જેની સાલેસા અને ટાકાનિનીના લેબર ઉમેદવાર ખડગ સિંઘ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખડગ સિંઘે જણાવ્યું હતું કે આ પગલું મૂળિયાં જાળવી રાખવા અને યુવા પેઢીને પોતાની ઓળખ પ્રત્યે આત્મવિશ્વાસ આપવાની દિશામાં ઐતિહાસિક છે.

લેવલ 3 પ્રમાણપત્ર 13 વર્ષ કે તેથી વધુ વયના અને ગુરમુખીનું મૂળભૂત જ્ઞાન ધરાવતા શીખનારાઓ માટે છે. આ 60-ક્રેડિટ ધરાવતો કોર્સ વાંચન, લેખન, શ્રવણ અને બોલવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ગુરજોત સિંઘે સ્પષ્ટ કર્યું કે આ પહેલ સમુદાયના જૂના પ્રયાસોનું સ્થાન લેવાને બદલે તેને પૂરક બનાવે છે.

સંસ્થાનો લાંબા ગાળાનો ધ્યેય લેવલ 4 અને 5 ના કોર્સિસ તેમજ શિક્ષક તાલીમ અને શિખ અભ્યાસ જેવા કાર્યક્રમો શરૂ કરવાનો છે. હાલમાં આ અભ્યાસક્રમ ફી-આધારિત છે, પરંતુ ભવિષ્યમાં સરકારી ભંડોળની તકો પણ શોધવામાં આવશે. આ સિદ્ધિથી પંજાબી ભાષા માત્ર ઘરો કે ગુરુદ્વારા પૂરતી મર્યાદિત ન રહેતાં ન્યૂઝીલેન્ડના રાષ્ટ્રીય શિક્ષણ ક્ષેત્રે સ્વીકારાઈ છે.

ઓરીજીનલ આર્ટિકલ – https://awaaz.co.nz/belonging/the-punjabi-language-has-made-its-move-into-new-zealands-formal-education-system.html