નિસાંકાના ઐતિહાસિક શતકની મદદથી શ્રીલંકાનો વિજય, ઓસ્ટ્રેલિયા 181, શ્રીલંકા 182/2, તોફાની શરૂઆત બાદ ઓસ્ટ્રેલિયાની ઇનિંગ ધરાશાયી

Sri Lanka vs Australia : કોલંબોમાં રમાયેલી હાઈ-વોલ્ટેજ મેચમાં સહ-યજમાન શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયાને ચારે ખાણે ચિત્ત કર્યું છે. 182 રનના મજબૂત લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે માત્ર 18 ઓવરમાં જ વિજય મેળવી લીધો હતો. આ જીતના અસલી હીરો ઓપનર પથુમ નિસાંકા રહ્યા હતા, જેમણે માત્ર 52 બોલમાં અણનમ સદી ફટકારીને આ વર્લ્ડ કપનું પ્રથમ શતક નોંધાવ્યું હતું. પોતાની ઇનિંગમાં તેમણે 10 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકારી કાંગારૂ બોલરોને લાચાર કરી દીધા હતા.
ઓસ્ટ્રેલિયાનો ધબડકો: મજબૂત શરૂઆત છતાં મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની શરૂઆત શાનદાર રહી હતી. ટ્રેવિસ હેડ (56) અને મિશેલ માર્શ (54) વચ્ચે પ્રથમ વિકેટ માટે 104 રનની ભાગીદારી થઈ હતી. જોકે, 9મી ઓવરમાં પહેલી વિકેટ પડ્યા બાદ શ્રીલંકાના બોલરોએ મેચમાં જોરદાર વાપસી કરી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ એક સમયે 200થી વધુ રન બનાવશે તેમ લાગતું હતું, પરંતુ મધ્યમ ક્રમના બેટર્સ નિષ્ફળ રહેતા ટીમ 20 ઓવરમાં 181 રન જ બનાવી શકી હતી.
સુપર-8ના સમીકરણો: શ્રીલંકા ક્વાલિફાય, ઓસ્ટ્રેલિયા બહાર ફેંકાવાની અણી પર
આ જીત સાથે શ્રીલંકાએ ગ્રુપ-બીમાં સતત ત્રણ જીત મેળવીને સુપર-8 માટે સત્તાવાર રીતે ક્વાલિફાય કરી લીધું છે. બીજી તરફ, ઓસ્ટ્રેલિયા માટે હવે રસ્તો અત્યંત મુશ્કેલ બની ગયો છે.
- પોઈન્ટ્સ ટેબલ: શ્રીલંકા 6 પોઈન્ટ સાથે ટોપ પર છે, જ્યારે ઝિમ્બાબ્વે 4 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. ઓસ્ટ્રેલિયા 3 મેચમાં માત્ર એક જ જીત સાથે ત્રીજા ક્રમે છે.
- ખતરો: જો ઝિમ્બાબ્વે તેની બાકીની બે મેચમાંથી એક પણ જીતી લેશે, તો ઓસ્ટ્રેલિયા ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ જશે.
ખિતાબના દાવેદાર ગણાતી ટીમ પર સંકટના વાદળ
થોડા અઠવાડિયા પહેલા સુધી ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવતું હતું. પરંતુ પહેલા ઝિમ્બાબ્વે અને હવે શ્રીલંકા સામેની હારે ઓસ્ટ્રેલિયાના અહંકારને ઠેસ પહોંચાડી છે. હવે ઓસ્ટ્રેલિયાએ માત્ર પોતાની છેલ્લી મેચ જીતવી જ નહીં, પણ પ્રાર્થના પણ કરવી પડશે કે ઝિમ્બાબ્વે તેની બંને મેચ મોટા અંતરથી હારે, જે હાલની સ્થિતિમાં અશક્ય જેવું લાગે છે.