બસ ડ્રાઇવરોમાં કઠિન શરતોને લઇ ચિંતા, વેલિંગ્ટનમાં 45 ડ્રાઇવરોનું ભવિષ્ય અદ્ધરતાલ, જાન્યુઆરી મહિનામાં 500 થી વધુ ડ્રાઇવરોએ પાર્લામેન્ટમાં પિટિશન રજૂ કરીને આ નિયમોમાં છૂટછાટ આપવાની માંગ કરી
બસ ડ્રાઇવરોએ રેસીડેન્સી મેળવવા માટે IELTS પરીક્ષામાં 6.5 સ્કોર મેળવવો અનિવાર્ય
વેલિંગ્ટન (12 ફેબ્રુઆરી 2026): ન્યુઝીલેન્ડમાં કાર્યરત વિદેશી બસ ડ્રાઇવરો માટે રેસીડેન્સી (કાયમી વસવાટ) મેળવવા માટે લાદવામાં આવેલી અંગ્રેજી ભાષાની શરતો અત્યંત કઠિન હોવાને કારણે ઉદ્યોગ જગત અને કાઉન્સિલરોએ ચિંતા વ્યક્ત કરી છે. વેલિંગ્ટનના આશરે 45 જેટલા બસ ડ્રાઇવરોનું ભવિષ્ય અત્યારે અધ્ધરતાલ છે, કારણ કે તેઓ નિર્ધારિત અંગ્રેજી પરીક્ષા પાસ કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે.
શું છે વિવાદનું મુખ્ય કારણ?
વર્ષ 2022 માં લાવવામાં આવેલા નિયમ મુજબ, બસ ડ્રાઇવરોએ રેસીડેન્સી મેળવવા માટે IELTS પરીક્ષામાં 6.5 સ્કોર મેળવવો અનિવાર્ય છે. આ સ્તર એટલું ઊંચું છે જેટલું ન્યુઝીલેન્ડની યુનિવર્સિટીઓ આંતરરાષ્ટ્રીય પોસ્ટ-ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ પાસેથી અપેક્ષા રાખે છે. ડ્રાઇવરોનું કહેવું છે કે બસ ચલાવવા માટે એકેડેમિક લેવલની અંગ્રેજી અને 300 શબ્દોના નિબંધ લખવાની ક્ષમતાની જરૂર હોતી નથી.
ઉદ્યોગ અને ડ્રાઇવરોની રજૂઆત
- અરજી અને વિરોધ: જાન્યુઆરી મહિનામાં 500 થી વધુ ડ્રાઇવરોએ પાર્લામેન્ટમાં પિટિશન રજૂ કરીને આ નિયમોમાં છૂટછાટ આપવાની માંગ કરી હતી.
- ડ્રાઇવરોનો તર્ક: ફિલિપાઈન્સના ડ્રાઇવરએ જણાવ્યું કે મુસાફરો સાથે વાતચીત કરવા માટે સામાન્ય અંગ્રેજી પૂરતું છે, પરંતુ આ ટેસ્ટ અત્યંત અઘરો છે. તેમના સાત સાથીદારો આ શરત પૂરી ન કરી શકવાને કારણે દેશ છોડી ગયા છે.
- બસ એસોસિએશનની ચિંતા: બસ એન્ડ કોચ એસોસિએશનના જણાવ્યા મુજબ, જો લાંબાગાળાનો ઉકેલ નહીં આવે, તો 2022 જેવી સ્થિતિ ફરી સર્જાશે જ્યારે ડ્રાઇવરોની અછતને કારણે સેંકડો બસ સેવાઓ રદ કરવી પડી હતી.
સરકારનું વલણ: નિયમોમાં ફેરફાર નહીં
ઇમિગ્રેશન મંત્રી એરિકા સ્ટેનફોર્ડે સ્પષ્ટ કર્યું છે કે સરકાર આ શરતોમાં કોઈ છૂટછાટ આપવા પર વિચાર કરી રહી નથી. તેમણે જણાવ્યું કે ડ્રાઇવરો પહેલેથી જ જાણતા હતા કે આ માટે ઉચ્ચ કક્ષાનું અંગ્રેજી જરૂરી છે. મંત્રીના મતે, સેંકડો અન્ય ડ્રાઇવરોએ મહેનત કરીને આ ટેસ્ટ પાસ કર્યો છે, તેથી ડ્રાઇવરોની અછત સર્જાશે તેવી તેમને કોઈ ચિંતા નથી.
હાલમાં બસ ઓપરેટરો ડ્રાઇવરોને મદદ કરવા માટે ડેપોમાં અંગ્રેજી શીખવવાની શાળાઓ શરૂ કરી રહ્યા છે, પરંતુ બે વર્ષ બાદ જ્યારે વિઝા એક્સટેન્શન પૂર્ણ થશે ત્યારે સ્થિતિ વધુ વિકટ બની શકે છે.