નકલી દસ્તાવેજો અને વિશ્વાસઘાતની મોડસ ઓપરેન્ડી, કેનેડા અને યુકે જેવા દેશોના પીઆર (PR) વિઝા અપાવવાની લાલચ આપીને અનેક લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી

અમદાવાદ : શહેરમાં વિદેશી ધરતી પર નોકરી અને સ્થાયી થવા માંગતા લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને લાખો રૂપિયા પડાવતું એક મોટું રેકેટ ઝડપાયું છે. ‘ધ કેરિયર પ્રોફેશનલ્સ’ નામની એજન્સીના ઓઠા હેઠળ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, કેનેડા અને યુકે જેવા દેશોના પીઆર (PR) વિઝા અપાવવાની લાલચ આપીને અનેક લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. ચાંદખેડા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડના વિઝાનું જાળું

ઠગ ટોળકી દ્વારા ખાસ કરીને ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં નોકરી સાથેના કાયમી વસવાટ (Permanent Residency) અપાવવાનું કહીને લોકોને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા. આ માટે એજન્સી દ્વારા રિક્રુટમેન્ટ, ટ્રેનિંગ અને બેકગ્રાઉન્ડ વેરિફિકેશન જેવી પ્રક્રિયાઓનું નાટક કરવામાં આવતું હતું. કુલ 14 જેટલા લોકો આ ઠગાઈનો ભોગ બન્યા છે, જેમની પાસેથી વિઝા પ્રોસેસિંગના નામે લાખોની રકમ ખંખેરી લેવામાં આવી છે.

નકલી દસ્તાવેજો અને વિશ્વાસઘાતની મોડસ ઓપરેન્ડી

લોકોને છેતરવા માટે આ એજન્સી દ્વારા અત્યંત ચાલાકી પૂર્વક કામ કરવામાં આવતું હતું:

  • નકલી ઓફર લેટર: ભોગ બનનારાઓને વિશ્વાસ અપાવવા માટે નકલી સ્પોન્સરશિપ કમ જોબ ઓફર લેટર્સ આપવામાં આવ્યા હતા.
  • બાયોમેટ્રિક અને સર્ટિફિકેટનું નાટક: અરજદારોને બાયોમેટ્રિક દસ્તાવેજો અને આઈ.ઈ.એલ.ટી.એસ. (IELTS) ના સર્ટિફિકેટ્સ પણ મોકલી આપીને એવું દર્શાવવામાં આવ્યું હતું કે તેમની ફાઈલ પ્રગતિમાં છે.
  • ખોટી રસીદો: પૈસા મેળવ્યા બાદ ‘ટીપીસી કોર્પ્સ’ નામની રસીદો આપીને 6 થી 8 મહિનામાં વિઝા મળી જવાની ખાતરી આપવામાં આવતી હતી.

કુલ 72.45 લાખથી વધુની રકમની ઠગાઈ

તપાસમાં બહાર આવ્યું છે કે આ ટોળકીએ માત્ર પાંચ માસના ટૂંકા ગાળામાં જ ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશોના વિઝાના નામે રૂ. 72.45 લાખ જેટલી માતબર રકમ પડાવી લીધી હતી. લાંબો સમય વીતવા છતાં પણ વિઝા ન મળતા અને પૈસા પરત માંગતા આરોપીઓએ ગલ્લાતલ્લા કરવાના શરૂ કર્યા હતા, જેના કારણે અંતે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.