270 થી 320 mm જેટલો તોતિંગ વરસાદ ખાબકવાની શક્યતા, કાઈકોહેના પૂર્વ ભાગથી લઈને વાંગારેઈ (Whangārei) સુધીના વિસ્તારોમાં ચેતવણી

ન્યૂઝીલેન્ડના હવામાન વિભાગ ‘મેટસર્વિસ’ (MetService) દ્વારા નોર્થલેન્ડના પૂર્વીય વિસ્તારો માટે અત્યંત ગંભીર એવી રેડ હેવી રેઈન વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. સબ-ટ્રોપિક્સ વિસ્તારમાંથી આવી રહેલા ઓછા દબાણને કારણે આ પ્રદેશમાં 270 થી 320 mm જેટલો તોતિંગ વરસાદ ખાબકવાની શક્યતા છે. ખાસ કરીને કાઈકોહેના પૂર્વ ભાગથી લઈને વાંગારેઈ (Whangārei) સુધીના વિસ્તારોમાં આજે સાંજે 4 વાગ્યાથી શુક્રવાર વહેલી સવાર સુધી આ ચેતવણી લાગુ રહેશે.

લોકો માટે સલામતી અને સ્થળાંતરની સૂચના

હવામાનશાસ્ત્રી જોન લોએ જણાવ્યું છે કે રેડ વોર્નિંગનો અર્થ એ છે કે લોકોએ અત્યારે જ પગલાં લેવાની જરૂર છે. ઓકુરા (Oakura) અને વાંગારુરુ (Whangaruru) ના રહેવાસીઓને જો તેઓ અસુરક્ષિત અનુભવતા હોય તો આજે જ ઘર છોડી દેવાની સલાહ આપવામાં આવી છે. વાંગારેઈ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે વરસાદને કારણે કાઈકાનુઈ રોડ (Kaiikanui Rd) બંધ થઈ શકે છે, તેથી લોકોએ સુરક્ષિત સ્થળે અથવા સ્થાનિક મરાએ (Marae) ખાતે સ્થળાંતર કરી લેવું જોઈએ.

ઓકલેન્ડ હાર્બર બ્રિજ અને પવનનું જોખમ

માત્ર વરસાદ જ નહીં, પરંતુ 120 km/h ની ઝડપે ફૂંકાનારા પવનને કારણે પણ મુશ્કેલી સર્જાઈ શકે છે. ઓકલેન્ડમાં ટ્રાન્સપોર્ટ એજન્સીએ ચેતવણી આપી છે કે ગુરુવારે સવારે 8 વાગ્યાથી શુક્રવારના વહેલી સવાર સુધી ઓકલેન્ડ હાર્બર બ્રિજ પર લેન બંધ કરવામાં આવી શકે છે અથવા સુરક્ષા ખાતર બ્રિજ સંપૂર્ણ બંધ થઈ શકે છે. મોટરસાઈકલ સવારો અને ઊંચા વાહનો ધરાવતા ડ્રાઈવરોને બ્રિજનો ઉપયોગ ટાળવા અને વૈકલ્પિક માર્ગ લેવા સૂચના અપાઈ છે.

અન્ય વિસ્તારોમાં એલર્ટની સ્થિતિ

આ વાવાઝોડાની અસર સમગ્ર ઉત્તર ટાપુ પર જોવા મળશે. વિવિધ સ્તરે જાહેર કરાયેલા એલર્ટની યાદી નીચે મુજબ છે:

  • ઓરેન્જ હેવી રેઈન વોર્નિંગ: કોરોમંડલ પેનિનસુલા, ગ્રેટ બેરિયર આઈલેન્ડ, ઓકલેન્ડ (વાંગાપારાઓની ઉત્તરે) અને બે ઓફ પ્લેન્ટી.
  • હેવી રેઈન વોચ: ઓકલેન્ડ (દક્ષિણ ભાગ), તારનાકી માઉન્ટ અને દક્ષિણ કેન્ટરબરીના વિસ્તારો.
  • સ્ટ્રોંગ વિન્ડ વોચ: બેન્ક્સ પેનિનસુલા અને વાઈકાટો વિસ્તાર.

દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટા મોજાં ઉછળવાની અને પૂર આવવાની શક્યતા હોવાથી માછીમારો અને કિનારા પર રહેતા લોકોને સાવધ રહેવા જણાવાયું છે. વર્ષ 2019 પછી જાહેર કરવામાં આવેલી આ 22મી રેડ વોર્નિંગ છે.