વ્યાપાર, ઇનોવેશન અને રોજગાર મંત્રાલય (MBIE) જાહેર કર્યા તાજા આંકડા, કહ્યું નાગરિકોને ગભરાવાની જરૂર નથી, ઇમરજન્સી પગલાંની જરૂર નથી : MBIE
‘નમસ્કાર ગુજરાત ન્યૂઝ.ઓકલેન્ડ’ : મધ્ય-પૂર્વ (Middle East) માં ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર ન્યૂઝીલેન્ડના ઈંધણના ભાવ પર જોવા મળી રહી છે. યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર આશરે 55 સેન્ટ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 90 સેન્ટનો ધરખમ વધારો થયો છે. આ સ્થિતિ વચ્ચે સરકાર અને મંત્રાલય સતત પુરવઠા પર નજર રાખી રહ્યા છે.
દેશમાં કેટલા દિવસનો સ્ટોક ઉપલબ્ધ છે?
વ્યાપાર, ઇનોવેશન અને રોજગાર મંત્રાલય (MBIE) દ્વારા 22 March 2026 ના રોજ જાહેર કરાયેલા ડેટા મુજબ, દેશમાં જમીન પર (Onshore) અને દરિયામાં જહાજો પર (On-water) મળીને કુલ 46.6 દિવસનો ઈંધણનો સ્ટોક ઉપલબ્ધ છે. જોકે, માત્ર દેશની અંદર સંગ્રહિત સ્ટોકમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે:
- પેટ્રોલ: 24.5 દિવસનો સ્ટોક.
- ડીઝલ: 18.1 દિવસનો સ્ટોક.
- જેટ ફ્યુઅલ: 20.1 દિવસનો સ્ટોક. જમીન પરનો કુલ સરેરાશ સ્ટોક જે અગાઉ 23.3 દિવસ હતો, તે ઘટીને અત્યારે 20.7 દિવસ થયો છે.
પુરવઠાની સાંકળ અને આગામી જહાજો
મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે સ્ટોકમાં જોવા મળેલો આ ઘટાડો વપરાશની સામાન્ય પદ્ધતિને કારણે છે અને તેને પુરવઠામાં કોઈ મોટા અવરોધ તરીકે જોવો જોઈએ નહીં. રાહતની વાત એ છે કે, દરિયામાં સફર કરી રહેલા જહાજો પરનો સ્ટોક 23.6 દિવસથી વધીને 25.9 દિવસ થયો છે. આગામી પખવાડિયામાં વધુ બે મોટા જહાજો પેટ્રોલ, ડીઝલ અને જેટ ફ્યુઅલ લઈને ન્યૂઝીલેન્ડ પહોંચવાના છે. એપ્રિલ મહિના માટે પણ ઈંધણ કંપનીઓએ પૂરતા પ્રમાણમાં જહાજોનું આયોજન કરી રાખ્યું છે.
ઇમરજન્સી પગલાંની જરૂર નથી
MBIE ના જણાવ્યા મુજબ, ન્યૂઝીલેન્ડ પાસે પુરવઠાના અવરોધોને પહોંચી વળવા માટે મજબૂત વ્યવસ્થા છે. અત્યારે એવી કોઈ ગંભીર પરિસ્થિતિ નથી કે જેના કારણે ‘નેશનલ ફ્યુઅલ પ્લાન’ હેઠળ કટોકટીના પગલાં લેવા પડે. સરકારે નાગરિકોને ખાતરી આપી છે કે ઈંધણ ખરીદવાની રીતમાં કોઈ ફેરફાર કરવાની કે ગભરાઈને સંગ્રહ કરવાની જરૂર નથી. ઈંધણ આયાતકારો તેમની જવાબદારી મુજબ લઘુત્તમ સ્ટોક જાળવી રહ્યા છે.
વધુ માહિતી માટે નીચેની લિંક પર ક્લિક કરો.
https://www.mbie.govt.nz/about/news/fuel-stocks-update