સળગતી બસનો મુખ્ય દરવાજો ન ખૂલતા ડ્રાઇવર એક્ઝિટ ડોરમાંથી બાળકોને બહાર કાઢ્યા, દૂર્ઘટના સમયે ઇમર્જન્સી એક્ઝિટ ડોર ન ખૂલતા બસ ઓપરેટર રિચીસે તપાસ શરૂ કરી

માંગાવાઇ (૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬): માંગાવાઈ ટાઉનશિપની દક્ષિણે સોમવારે બપોરે એક સ્કૂલ બસમાં અચાનક ભયાનક આગ લાગવાની ઘટના બની હતી. જ્યારે બસ ધુમાડાથી ભરાવા લાગી ત્યારે મુખ્ય દરવાજો ન ખુલતા ડ્રાઈવરે અત્યંત સાવધાનીપૂર્વક તમામ ૧૯ વિદ્યાર્થીઓને સાઈડ એક્ઝિટ (ડ્રાઈવર તરફના દરવાજા) થી બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં એક પણ બાળકને ઈજા થઈ નથી, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને વાલીઓ ડ્રાઈવરની બહાદુરીના વખાણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો ડ્રાઈવરને ‘હીરો’ અને ‘લેજન્ડ’ ગણાવી રહ્યા છે અને સમુદાય દ્વારા તેમને ખાસ ભેટ આપવા માટે ભંડોળ પણ એકત્ર કરવામાં આવી રહ્યું છે.

બસ ઓપરેટર ‘રિચીસ’ (Ritchies) દ્વારા આ ગંભીર ઘટનાની આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે. ૧૩ વર્ષની એક વિદ્યાર્થિનીના પિતાએ જણાવ્યું કે, બસમાં ધુમાડો ભરાઈ રહ્યો હતો અને ઈમરજન્સી સમયે મુખ્ય દરવાજા ન ખુલવા તે ચિંતાનો વિષય છે. ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના જણાવ્યા અનુસાર, આગ એટલી ભીષણ હતી કે બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ તે ‘મિકેનિકલ ઇશ્યુ’ હોઈ શકે છે.

ઈમરજન્સી એક્ઝિટનો ઉપયોગ અને જીવ બચાવ્યો

જ્યારે બસ સળગવા લાગી ત્યારે બાળકોમાં ગભરાટ ફેલાયો હતો, પરંતુ ડ્રાઈવરે શાંતિ જાળવી રાખી બધાને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. વાલીઓએ જણાવ્યું કે બાળકો માટે આ એક મોટો આઘાત હતો, પણ ડ્રાઈવરની મદદથી કોઈ જાનહાનિ થઈ નથી.

તપાસના ચક્ર ગતિમાન

બસ ઓપરેટર દ્વારા સ્વતંત્ર નિષ્ણાતોની મદદથી તપાસ કરવામાં આવી રહી છે કે ચાલુ બસમાં આગ કેવી રીતે લાગી અને ઈમરજન્સી ડોર શા માટે ન ખુલ્યા. પોલીસ અને ફાયર વિભાગ પણ આ મામલે તપાસ કરી રહ્યા છે.