વૈશ્વિક કટોકટી વચ્ચે બળતણ અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા બંને દેશોનો હાથ મિલાવ્યો, ન્યુઝીલેન્ડના કુલ વપરાશના ત્રીજા ભાગનું ઈંધણ સિંગાપોરમાં રિફાઈન થાય છે

ન્યુઝીલેન્ડ અને સિંગાપોર વચ્ચે આજે એક ઐતિહાસિક અને વિશ્વમાં પ્રથમ પ્રકારનો ‘ફ્યુઅલ-ફોર-ફૂડ’ (બળતણના બદલામાં ખોરાક) કરાર ઔપચારિક રીતે કરવામાં આવ્યો છે. આ સમજૂતીનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક કટોકટીના સમયે પણ બંને દેશો વચ્ચે આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો અવરોધ વિના જાળવી રાખવાનો છે.

ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન હાલમાં સિંગાપોરની મુલાકાતે છે, જ્યાં તેમણે સિંગાપોરના વડાપ્રધાન લોરેન્સ વોન્ગ સાથે મળીને આ મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અને વૈશ્વિક સપ્લાય ચેઈનમાં આવતા અવરોધોને ધ્યાનમાં રાખીને આ ‘ટ્રેડ ઇન એસેન્શિયલ સપ્લાય’ સમજૂતી કરવામાં આવી છે, જે બંને દેશોની આર્થિક સ્થિરતા માટે અત્યંત મહત્વની છે.

કટોકટીમાં પરસ્પર ભરોસાનું પ્રતીક

સિંગાપોરના નેતા લોરેન્સ વોન્ગે જણાવ્યું હતું કે જ્યારે દેશો મુશ્કેલ સમયમાં પોતાની અંદર જોવાની (look inward) કોશિશ કરે છે ત્યારે સપ્લાય ચેઈન તૂટી જાય છે અને દરેકને નુકસાન થાય છે. આ કરાર તે માનસિકતાનો જવાબ છે અને તે સુનિશ્ચિત કરે છે કે બજારો ખુલ્લા રહેશે. લક્સને પણ આ સબંધને “એકબીજાનો સાથ નિભાવનારો” ગણાવ્યો છે, જે માત્ર ભરોસા પર નહીં પણ વ્યવહારુ પગલાં પર આધારિત છે.

ઈંધણ સુરક્ષા અને આર્થિક અસરો

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અવરોધોને કારણે તેલના પુરવઠામાં લાંબા ગાળા સુધી અસર રહેવાની શક્યતા છે. જોકે, સિંગાપોરની રિફાઈનરીઓએ કાચા તેલના અન્ય સ્ત્રોતો શોધી લીધા છે. એક્સપોર્ટએનઝેડ (ExportNZ) ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરે સાવધ કરતા કહ્યું છે કે આ કરાર તાત્કાલિક ભાવ વધારા કે નૂરની અસ્થિરતાને દૂર નહીં કરે, પરંતુ તે એટલું ચોક્કસ કરશે કે કટોકટીના કારણે લાદવામાં આવતા સરકારી પ્રતિબંધોમાં આવશ્યક ચીજવસ્તુઓ ફસાઈ ન જાય.