નયનભાઇ ગરવી ગુજરાત NZ ચેરિટેબલ ટ્રસ્ટના એડવાઇઝરી કમિટી સભ્ય હતા, ગરવી ગુજરાત સમાજે એક સન્માનનીય માર્ગદર્શક અને અગ્રણી સમાજસેવક ગુમાવ્યા
નમસ્કાર ગુજરાત ન્યૂઝ. ઑકલેન્ડ
ગરવી ગુજરાત (NZ) ચેરિટેબલ ટ્રસ્ટના આદરણીય એડવાઇઝરી કમિટીના સભ્ય અને જાણીતા સમાજસેવક નયન મિસ્ત્રીનું આજે બપોરે 12 વાગ્યે ટૂંકી માંદગી બાદ 80 વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. તેમના દેહાવસાનથી ન્યૂઝીલેન્ડના સમગ્ર ગુજરાતી સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે.
બીચ હેવન, ઓકલેન્ડ ખાતે રહેતા નયન મિસ્ત્રીનો જન્મ 26 જાન્યુઆરી 1946ના રોજ થયો હતો. તેઓ 06 ઓગસ્ટ 2026ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. પોતાના જીવનની છેલ્લી ક્ષણ સુધી તેઓ સમાજ સેવામાં અગ્રેસર હતા અને થોડા દિવસ પહેલા જ ટ્રસ્ટના તમામ કાર્યક્રમમાં પણ તેઓ ઉપસ્થિત રહ્યા હતા.

વર્ષ 2012થી સમાજસેવામાં અવિરત યોગદાન
ગરવી ગુજરાત NZ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કિરીટભાઇએ ઘેરા શોક સાથે જણાવ્યું હતું કે, ” નયન મિસ્ત્રી વર્ષ 2012થી ગુજરાતી સમાજ ન્યુઝીલેન્ડ સાથે જોડાયેલા હતા. અને તેઓ 2016થી અમે એકબીજાની સાથે હતા. તેઓ તાજેતરમાં જ નવ નિર્મિત ગરવી ગુજરાત NZ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલા હતા. એક એડવાઇઝર કમિટીના સભ્ય તરીકે તેમણે સંસ્થાને સતત સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, તેઓ સમાજની પ્રથમ બેડમિન્ટન ઇવેન્ટના મુખ્ય સ્પોન્સર પણ રહ્યા હતા. તેમના નિધનથી ગરવી ગુજરાત સમાજને ક્યારેય ન પુરાય તેવી મોટી ખોટ પડી છે.”
અવિસ્મરણીય સેવા અને શ્રદ્ધાંજલિ
નયન મિસ્ત્રીનું માર્ગદર્શન, જ્ઞાન અને સમાજ પ્રત્યેની તેમની નિઃસ્વાર્થ સેવા હંમેશા યાદ રહેશે. ન માત્ર ગરવી ગુજરાત ન્યૂઝીલેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, પરંતુ ગુજરાતી સમાજ ન્યુઝીલેન્ડ માટે તેમનું અમૂલ્ય યોગદાન સદાય અવિસ્મરણીય રહેશે.
ગરવી ગુજરાત ન્યૂઝીલેન્ડ પરિવાર તરફથી તેમના પરિવારજનો અને સ્વજનો પ્રત્યે હાર્દિક સંવેદના વ્યક્ત કરવામાં આવી છે. પરમાત્મા દિવંગત આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી છે.