મમતા અને સ્ટાલિન જેવા દિગ્ગજોની હાર, લેફ્ટના છેલ્લા કિલ્લાનું પણ પતન, બંગાળમાં ભાજપે 294 માંથી 206 બેઠકો જીતી, તમિલનાડુમાં ટીવીકેનો ચમત્કાર, આસામમાં ભાજપની વિજયી હેટ્રિક
સોમવારે જાહેર થયેલા પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોએ દેશના રાજકીય નકશામાં મોટા ફેરફારો કર્યા છે. પશ્ચિમ બંગાળમાં ભાજપનો ઐતિહાસિક વિજય થયો છે, જ્યારે તમિલનાડુમાં અભિનેતા વિજયની પાર્ટીએ સત્તાના સમીકરણો બદલી નાખ્યા છે.
- પશ્ચિમ બંગાળમાં ‘કમળ’ ખીલ્યું: ભાજપે 294 માંથી 206 થી વધુ બેઠકો જીતીને 15 વર્ષ થી સત્તામાં રહેલી TMC ને હરાવી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી ભવાનીપુર બેઠક પરથી હારી ગયા છે. જ્યારે ભાજપના દિગ્ગજ નેતા શુવેન્દુ અધિકારી ભવાનીપુર અને નંદીગ્રામ એમ બંને બેઠકો પર જીત્યા છે.

- આસામમાં હેટ્રિક: ભાજપના નેતૃત્વ હેઠળના NDA એ આસામ માં સતત ત્રીજી વખત જીત મેળવી છે. મુખ્યમંત્રી હેમંતા બિશ્વા શર્માએ શાનદાર જીત મેળવી હતી. કોંગ્રેસના દિગ્ગજ નેતા ગૌરવ ગોગોઈ પણ આસામ ના જોરહાટથી ચૂંટણી હારી ગયા છે.

- તમિલનાડુમાં ટીવીકેનો ચમત્કાર: અભિનેતા વિજયની પાર્ટી TVK એ તેના પ્રથમ જ ચૂંટણી જંગમાં 108 થી વધુ બેઠકો જીતીને સ્ટાલિનની DMK ને સત્તા પરથી હટાવી દીધી છે.

- કેરળમાં કોંગ્રેસનો દબદબો: કોંગ્રેસના નેતૃત્વ હેઠળના UDF એ 99 બેઠકો જીતીને ડાબેરી મોરચાના 10 વર્ષ ના શાસનનો અંત આણ્યો છે.

- પુડુચેરીમાં NDA યથાવત: પુડુચેરીમાં જનતાએ ફરી એકવાર NDA ના ‘બેસ્ટ પુડુચેરી’ વિઝન પર મહોર મારીને સત્તા જાળવી રાખી છે.

પશ્ચિમ બંગાળ અને આસામની જીત
બંગાળમાં ભાજપે પ્રચંડ બહુમતી સાથે સત્તા મેળવી છે, જ્યાં TMC માત્ર 81 બેઠકો પર સમેટાઈ ગઈ છે. આસામ માં પણ ચાના બગીચાઓ અને ગ્રામીણ વિસ્તારોમાં મળેલા મજબૂત સમર્થનને કારણે ભાજપે પોતાની પકડ વધુ મજબૂત કરી છે. આસામ ની આ જીત રાજ્યમાં ભાજપના શાસન પર જનતાના ભરોસાને દર્શાવે છે.
દક્ષિણ ભારતમાં પરિવર્તનની લહેર
તમિલનાડુમાં DMK+ માત્ર 74 બેઠકો અને AIADMK+ 53 બેઠકો પર અટકી ગઈ છે, જેની સામે વિજયની પાર્ટી 108 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. કેરળમાં મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓએ ડાબેરી મોરચા (LDF) ને માત્ર 35 બેઠકો સુધી મર્યાદિત કરી દીધા છે, જેનાથી દેશભરના લેફ્ટના ગઢનું પતન થયું છે.
વડાપ્રધાન મોદીએ ભાજપ મુખ્યાલય ખાતે કાર્યકરોને સંબોધતા આ જીત માટે મહિલાઓની ભાગીદારી અને રેકોર્ડ મતદાનને શ્રેય આપ્યો હતો. તેમણે શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા માટે ચૂંટણી પંચ અને સુરક્ષા દળોની પણ પ્રશંસા કરી હતી.