હુમલાખોર પાસે પાઈના પૈસા માંગતા પિતા-પુત્રને કાતર મારી, ૨૩ વર્ષથી કાર્યરત સ્ટોરના માલિકની સ્થિતિ હવે સ્થિર, સ્થાનિક સમુદાય મદદ માટે આગળ આવ્યો

ન્યૂઝીલેન્ડના હેસ્ટિંગ્સમાં એક ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં એક ડેરીમાં કામ કરતા પિતા અને પુત્ર પર માત્ર એક પાઈના પૈસા ન ચૂકવવા બદલ એક શખ્સે કાતર વડે હુમલો કર્યો હતો. કેમ્બર્લીમાં આવેલી ‘કીવી સ્ટ્રીટ ફૂડ માર્કેટ’ ના માલિક મુકેશ પટેલને માથાના ભાગે 2 વાર કાતર મારવામાં આવતા તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમના પુત્ર રોહન પટેલે જણાવ્યું કે હાલ તેમના પિતાની સ્થિતિ સ્થિર છે.

ઘટનાની વિગતો

ગુરુવારે બપોરે આશરે ૩:૦૦ વાગ્યે કેમ્બર્લી (Camberley) માં આવેલા ‘કીવી સ્ટ્રીટ ફૂડ માર્કેટ’ માં એક વ્યક્તિ આવ્યો હતો. તેણે દુકાનમાં પાઈ ખાધી અને પૈસા ચૂકવ્યા વગર જવા લાગ્યો હતો. જ્યારે દુકાનના માલિક મુકેશ પટેલે તેને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે વ્યક્તિએ તેમની સાથે ઝઘડો શરૂ કર્યો અને કાતર વડે હુમલો કર્યો હતો.

પુત્રની ઈજા: પિતાને બચાવવા વચ્ચે પડેલા રોહન પટેલને પણ ડાબા ખભા અને પેટના ભાગે ઈજાઓ પહોંચી હતી. રોહનને શુક્રવારે સવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તેમણે હિંમત બતાવીને ફરીથી સ્ટોર ખોલ્યો હતો.

પિતા પર હુમલો: મુકેશ પટેલને માથાના ભાગે બે વાર કાતર મારવામાં આવી હતી, જેના કારણે તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવાયા હતા. હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

સમુદાયનો સહકાર અને હિંમત
મુકેશ પટેલ છેલ્લા 23 વર્ષથી આ દુકાન ચલાવે છે અને સ્થાનિક સમુદાય તેમની મદદ માટે આગળ આવ્યો છે. કાઉન્સિલર હેનારે ઓ’કીફે આ ઘટનાને વખોડી કાઢી હતી અને પિતા-પુત્રની હિંમતની પ્રશંસા કરી હતી. પોલીસે આ મામલે એક 22 વર્ષીય યુવાનની ધરપકડ કરી છે, જેના પર ચોરી અને ગંભીર ઈજા પહોંચાડવા સહિતના વિવિધ ગુનાઓ હેઠળ હેસ્ટિંગ્સ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે.