ઇઝરાયેલનું સમર્થન કરવા બદલ સિડનીની લાકેમ્બા મસ્જિદમાં વિરોધ; PM ને પાછળના દરવાજેથી સુરક્ષિત બહાર કાઢવા પડ્યા, ‘શરમ કરો’ અને ‘બહાર જાઓ’ ના નારા
સિડની | નમસ્કાર ગુજરાત ન્યૂઝ : ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બનીઝને ગાઝા યુદ્ધમાં ઇઝરાયેલ પ્રત્યેના તેમના વલણને કારણે મુસ્લિમ સમુદાયના ભારે આક્રોશનો સામનો કરવો પડ્યો છે. શુક્રવારે ઈદ-ઉલ-ફિત્ર નિમિત્તે સિડનીની લાકેમ્બા મસ્જિદમાં નમાઝ અને સમારોહમાં સામેલ થવા પહોંચેલા વડાપ્રધાનને જોતા જ લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને તેમના વિરુદ્ધ જોરદાર નારેબાજી શરૂ કરી હતી.
‘શરમ કરો’ અને ‘બહાર જાઓ’ ના નારા
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે મસ્જિદમાં હાજર લોકો વડાપ્રધાનને જોતા જ “Genocide Supporter” (નર સંહારના સમર્થક), “Get Out” (બહાર નીકળો) અને “Shame on You” (શરમ કરો) જેવા સૂત્રોચ્ચારો કરવા લાગ્યા હતા. લોકોનો ગુસ્સો એટલો વધારે હતો કે પીએમ અલ્બનીઝ અને તેમની સાથે આવેલા ગૃહ મંત્રી ટોની બર્કને સુરક્ષાકર્મીઓએ ભીડથી બચાવીને મસ્જિદના પાછળના દરવાજેથી સુરક્ષિત રીતે બહાર કાઢવા પડ્યા હતા.
વિરોધનું મુખ્ય કારણ
પ્રદર્શનકારીઓનો આરોપ છે કે ગાઝામાં ચાલી રહેલા યુદ્ધમાં ઓસ્ટ્રેલિયા સરકારે ઇઝરાયેલનું સમર્થન કર્યું છે, જેના કારણે હજારો નિર્દોષ લોકોના જીવ ગયા છે. મસ્જિદમાં હાજર લોકોએ પીએમ અને તેમના ડેપ્યુટી પર નર સંહારને સમર્થન આપવાનો આક્ષેપ કર્યો હતો. એક વ્યક્તિને બૂમો પાડતા સાંભળી શકાય છે કે, “તેઓ અહીં કેમ છે? તેમને અહીંથી બહાર કાઢો, આ શરમજનક છે.”
પોલીસની કાર્યવાહી
રિપોર્ટ અનુસાર, વડાપ્રધાન પર બૂમો પાડનાર એક વ્યક્તિને પોલીસે ત્યાંથી દૂર કર્યો હતો, જોકે બાદમાં તેને કોઈપણ આરોપ વગર છોડી દેવામાં આવ્યો હતો. આ ઘટનાએ ઓસ્ટ્રેલિયામાં ઇઝરાયેલ-ગાઝા મુદ્દે લોકોના વિભાજિત મંતવ્યો અને સરકાર સામેના આક્રોશને ફરી એકવાર સપાટી પર લાવી દીધો છે.