AEWV હોલ્ડરની ન્યુઝીલેન્ડ સંઘર્ષ ગાથાનો કરુણ અંત, ડુનેડિનની ગલીઓના ફૂટપાથ પર રાતો વિતાવી છતાં સંઘર્ષ ઓછો ન થયો, અનેકઘણી મહેનત છતાં રસ્તા પર રહેવા મજબૂર બન્યો

એઆઇ ઇમેજ.

નમસ્કાર ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ
ન્યુઝીલેન્ડ જવાના સપના જોતી વખતે ‘રાહુલ’ (નામ બદલ્યું છે) ની આંખોમાં એક અલગ જ ચમક હતી. કેરળના તિરુવનંતપુરમનો વતની અને વ્યવસાયે કુશળ શેફ, રાહુલે દુબઈ અને બહેરીનમાં કામ કરીને ઈન્ટરનેશનલ એક્સપિરિયન્સ મેળવ્યો હતો. 2024 માં જ્યારે તેને ન્યુઝીલેન્ડમાં કામ કરવાની તક મળી, ત્યારે તેને લાગ્યું કે તેના કૌશલ્યની આખરે સાચી કદર થશે.

તે કાઈતાઈયા (Kaitaia) પહોંચ્યો અને ત્યાં એક રેસ્ટોરન્ટમાં શેફ તરીકે કામ શરૂ કર્યું. રાહુલ ઉત્સાહિત હતો, પરંતુ જલ્દી જ તેને હકીકતનો સામનો કરવો પડ્યો. શરૂઆતના રેસ્ટોરન્ટમાં તેને વાયદા મુજબનું વેતન અને કલાકો મળતા નહોતા. “મને યોગ્ય રકમ કે કલાકો નહોતા મળતા,” રાહુલે પછીથી એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું.

પોતાની સ્થિતિ સુધારવા માટે, રાહુલે એમ્પ્લોયર બદલવાની પરવાનગી માંગી અને હોક્સ બે (Hawke’s Bay) ગયો. ત્યાં પણ શરૂઆતમાં બધું ઠીક લાગ્યું, અને તેણે દોઢ-પોણા બે વર્ષ સુધી કામ કર્યું. પરંતુ 2025 ના મધ્યમાં, ન્યુઝીલેન્ડની આર્થિક મંદીની અસર રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર પડી. કામ ઓછું થવા લાગ્યું અને આખરે રાહુલને છૂટો કરી દેવામાં આવ્યો. કામની તલાશ માટે તે ડુનેડિન પહોંચ્યો હતો.

બેરોજગારી અને આધુનિક ગુલામી
રાહુલ પાસે કોઈ કામ નહોતું, અને તેની બચત ઝડપથી ખતમ થઈ રહી હતી. ભાડું ચૂકવવાના પૈસા ન હોવાથી, તે ઘરવિહોણો બની ગયો. તેણે ડુનેડિનની કડકડતી ઠંડીમાં રાતો તેની કારમાં પસાર કરી. ક્યારેક ખાવા માટે પૂરતું પણ નહોતું. ડુનેડિનમાં કડકડતી ઠંડી વચ્ચે કારમાં સૂવાનો વારો આવ્યો…આખરે પૈસા ખૂટી જતાં ફૂટપાથ પણ સૂઇને દિવસો પસાર કર્યા પરંતુ પરિસ્થિતિ ન બદલાઇ.

ભૂમિત પટેલ અને સામાજિક સંસ્થાનોની સરાહનીય કામગીરી
આ કપરા સમયમાં, તેણે સામાજિક સંસ્થાઓ અને Kotahitanga નેટવર્કની મદદ માંગી, જેમણે તેને ખોરાક અને રહેવાની જગ્યા આપી. આ આખો સમય તે સતત કામ શોધવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોતાની કાર લઈને તે વેલિંગ્ટનથી સાઉથ આઈલેન્ડ સુધી ભટક્યો, કામની આશામાં લોકો સાથે કનેક્શન બનાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ ક્યાંય પણ સફળતા ન મળી. આશરે એક વર્ષ સુધી તે બેરોજગાર રહ્યો. જ્યારે રાહુલ પાસે જીવન ટકાવી રાખવા માટે કોઈ રસ્તો ન બચ્યો, ત્યારે તેણે વતન પરત ફરવાનો વિચાર કર્યો. પરંતુ તેની પાસે ટિકિટ ખરીદવા માટે પણ પૈસા નહોતા. તેને ઓકલેન્ડના ટોપ 10/7 સિક્યુરિટીના ભૂમિત પટેલ અને અન્ય સામાજિક સંસ્થાઓની મદદ મળી, જેમણે તેની વતન પરત ફરવાની ટિકિટ માટે ફંડ ભેગું કર્યું.

અત્રે ભૂમિત પટેલની મહેનતને પણ બિરદાવવી રહી જેમણે એક વીક સુધી તેમના રહેવા ખાવા-પીવાનો ખર્ચ ઉઠાવ્યો તથા તેમને એરપોર્ટ સુધી મોકલવાની જહેમત ઉઠાવી હતી. ભૂમિતે જણાવ્યું હતું કે મને જાણ થતાં જ મેં ડુનેડિનથી ઓકલેન્ડ લાવવાની વ્યવસ્થા કરી હતી. કામ અપાવવા માટે ન્યુઝીલેન્ડના મલયાલમ સમાજના લોકોની પણ મદદ માગી હતી. પરંતુ હાલની વર્તમાન પરિસ્થિતિ સામે નિષ્ફળતા મળી. વળી તમામ સ્તરે હારી ગયેલો રાહુલ પોતાના માતા-પિતા પાસે જવા માગતો હતો. જેથી ભારત મોકલવું જ હિતાવહ લાગ્યું. આ સમગ્ર ઘટના દર્શાવે છે કે ન્યુઝીલેન્ડમાં હજુ પણ એવા લોકો છે જે જરૂરમંદ લોકોને મદદ કરવા હંમેશા આગળ આવે છે. આ દરમિયાન નમસ્કાર ગુજરાત ન્યૂઝ ભૂમિત પટેલ, પોલ (ન્યુઝીલેન્ડ એજ્યુકેશન ફાઉન્ડેશન, ડુનેડિન), સ્મિતા નાયર, પ્રેસિડેન્ટ, ઓર્ગેનાઇઝેશન ઓફ હિન્દુ મલયાલી ન્યુઝીલેન્ડ (OHM NZ) અને વાય રવિન્દ્રન, પ્રેસિડેન્ટ, ન્યુઝીલેન્ડ તામિલ એસોસિયેશનનો આભાર વ્યક્ત કરે છે, જેમણે તમામ જરૂરિયાત પૂરી પાડી હતી.

પરિવાર પર બોજ અને વતન વાપસી
તેના પરિવાર વિશે પૂછવામાં આવતા, રાહુલે જણાવ્યું હતું કે, “મારી મમ્મી સ્કૂલમાં રસોઈ કામ કરે છે અને મારા પપ્પા KSEB (ઇલેક્ટ્રિસિટી બોર્ડ) માં કામ કરે છે, પણ તેઓ શારીરિક રીતે અસ્વસ્થ છે. બધી જવાબદારી મારા પર છે.” પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં, તે તેમને મદદ કરવાને બદલે પોતે જ આર્થિક સંકટમાં ફસાઈ ગયો હતો.

હા, હું પાછો ન્યુઝીલેન્ડ પરત ફરીશ
1 એપ્રિલ 2026 ના રોજ, રાહુલ આખરે તિરુવનંતપુરમ માટે રવાના થયો. તેની ન્યુઝીલેન્ડમાં વિતાવેલી બે વર્ષની મુસાફરીનો આ એક અત્યંત દુઃખદ અને કડવો અંત હતો. જ્યારે પૂછવામાં આવ્યું કે શું તે ભવિષ્યમાં પાછો આવવા માંગે છે, તો તેણે કહ્યું, “ચોક્કસપણે, પરંતુ હું નથી જાણતો કે ક્યારે.” તેની આંખોમાં હવે પહેલા જેવી ચમક નહોતી, માત્ર અસફળતા અને નિરાશાની આંચ જ બાકી હતી.