વડાપ્રધાન ઇમરાન ખાનને રાહત મળી

સાઉદી અરેબિયાએ અગાઉ 2018માં પણ પાકિસ્તાનને ત્રણ અબજ ડોલરની મદદ કરી હતી

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.

પાકિસ્તાન છેવટે સાઉદી અરેબિયા પાસેથી ૪.૨ અબજ ડોલર (અંદાજે ૭૦ હજાર કરોડ પાકિસ્તાની રૂપિયા) ની ખૈરાત મેળવવામાં સફળ રહ્યું છે. દેવાળિયુ ફૂંકવાના આરે આવી ગયેલા પાકિસ્તાનના અર્થતંત્રને સાઉદી અરેબિયાની ૪.૨ અબજ ડોલરની ખૈરાતથી સહારો મળ્યો છે.   ઇમરાન ખાન અખાતની ત્રણ દિવસની મુલાકાત પછી પરત આવ્યા બાદ માહિતી પ્રધાન ફવાદ ખાને આ જાહેરાત કરી હતી. તેમણે ટ્વીટમાં જણાવ્યું હતું કે સાઉદી અરેબિયા દ્વારા આપવામાં આવનારા ત્રણ અબજ ડોલર પાકિસ્તાનની મધ્યસ્થ બેન્કમાં જમા થશે અને બાકીના ૧.૨ અબજ ડોલર પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના રિફાઇનાન્સ પાછળ ઉપયોગમાં લેવામાં આવશે.   પાકિસ્તાનનું અર્થતંત્ર મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે ત્યારે ક્રાઉન પ્રિન્સ સલમાન દ્વારા આ મદદ કરવા બદલ વડાપ્રધાન ઇમરાન ખાને તેમનો આભાર માન્યો હતો.  પાકિસ્તાનનું ચલણ મેથી ૧૩.૬ ટકા ઘટયું છે અને તેનું મુખ્ય કારણ પડોશી દેશ અફઘાનિસ્તાનમાં ડોલરની થતી દાણચોરી તેનું મુખ્ય કારણ છે. સાઉદી અરેબિયાએ ૨૦૧૮માં પણ પાકિસ્તાનને ત્રણ અબજ ડોલરની ખેરાત આપી હતી અને પાકિસ્તાનને વિદેશી ચલણની અનામતોમાં મદદ કરવા ત્રણ અબજ ડોલરની ઓઇલ ફેસિલિટી આપવાનું વચન આપ્યું હતું.   જો કે પછી બંને દેશો વચ્ચેના સંબંધો બગડતા ઇસ્લામાબાદે સાઉદી અરેબિયાને ત્રણ અબજ ડોલરની સહાયમાંથી બે અબજ ડોલર પરત કર્યા હતા. પાકિસ્તાને આ વર્ષે જુનમાં જાહેરાત કરી હતી કે સાઉદી અરેબિયા પાકિસ્તાનને દર વર્ષે ૧.૫ અબજ ડોલરની ઓઇલ ફેસિલિટી પૂરી પાડશે.   પાકિસ્તાન અને આઇએમએફે જુલાઈ ૨૦૧૯માં છ અબજ ડોલરના ડીલ પર સહીસિક્કા કર્યા હતા, પરંતુ જાન્યુઆરી ૨૦૨૦માં આ ડીલ ખોરંભે પડયુ હતું અને આ વર્ષે માર્ચમાં તે ફરીથી રિસ્ટોર થયું હતું અને જુનમાં તે ફરી પાછુ ઓફ ટ્રેક થઈ ગયું હતું. જુનથી ઓગસ્ટ દરમિયાન બંને પક્ષો વચ્ચે કોઈ ચર્ચા થઈ નથી.