10 વર્ષમાં $6800ને પાર કરી જશે, પાણીના દરમાં 14.7% નો તાત્કાલિક વધારો, જૂની અને નિષ્ફળ થઈ રહેલી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમને સુધારવા માટે દરમાં વધારો કરવો અનિવાર્યનો મત
વેલિંગ્ટનના રહેવાસીઓએ આગામી દાયકા દરમિયાન પાણીના બિલમાં “ખૂબ જ મોટા” વધારાનો સામનો કરવો પડશે. નવા વોટર એન્ટિટી (Tiaki Wai) ના અધ્યક્ષ વિલ પીટે ચેતવણી આપી છે કે જૂની અને નિષ્ફળ થઈ રહેલી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમને સુધારવા માટે દરમાં વધારો કરવો અનિવાર્ય છે. આ વર્ષે પાણીના ચાર્જમાં સરેરાશ 14.7% નો વધારો થશે, જેનો અર્થ છે કે પરિવારોએ અગાઉ કરતા આશરે $310 વધુ ચૂકવવા પડશે. આ વધારા સાથે સરેરાશ વાર્ષિક બિલ $2418 પર પહોંચી જશે.
વર્ષ 2036 સુધીમાં બિલ ત્રણ ગણું થઈ જશે
આ વધારો માત્ર શરૂઆત છે. વોટર સર્વિસીસ વ્યૂહરચના મુજબ, વર્ષ 2027-2028 માં ચાર્જમાં 28% નો વધારો થઈ શકે છે. લાંબા ગાળાના અંદાજ મુજબ, વર્ષ 2036 સુધીમાં ફુગાવા સાથે પાણીનું વાર્ષિક બિલ વધીને $6831 થઈ જશે. વેલિંગ્ટન સિટી, પોરિરુઆ, હટ સિટી અને અપર હટના રહેવાસીઓ અત્યાર સુધી કાઉન્સિલ રેટ્સ દ્વારા સરેરાશ $2100 ચૂકવતા હતા, પરંતુ હવે જુલાઈથી તેમને ‘Tiaki Wai’ તરફથી અલગ ત્રિમાસિક બિલો મળશે.
વિવિધ શહેરો પર વધારાની અસર
દરેક શહેરમાં વધારાની રકમ અલગ-અલગ હશે:
- પોરિરુઆ: રહેવાસીઓએ વાર્ષિક સરેરાશ $368 વધુ ચૂકવવા પડશે.
- લોઅર હટ: વાર્ષિક સરેરાશ $349 નો વધારો થશે.
- અપર હટ: વાર્ષિક સરેરાશ $278 નો વધારો થશે.
- વેલિંગ્ટન સિટી: વાર્ષિક સરેરાશ $275 નો વધારો થશે. અધ્યક્ષે સ્વીકાર્યું હતું કે મોંઘવારીના આ સમયમાં આ વધારો અપ્રિય લાગશે, પરંતુ 30 વર્ષથી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં થયેલા ઓછા રોકાણને કારણે આ કડવો નિર્ણય લેવો પડ્યો છે.
ખરાબ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નાણાકીય પડકારો
વેલિંગ્ટનનું વોટર નેટવર્ક અત્યારે ગંભીર જોખમમાં છે. 4 માંથી 3 વેસ્ટવોટર પ્લાન્ટ નિયમોનું પાલન નથી કરી રહ્યા અને ગટરનું પાણી સમુદ્રમાં ભળી રહ્યું છે. Tiaki Wai કાઉન્સિલ પાસેથી આશરે $9 બિલિયનની સંપત્તિ અને $1.7 બિલિયનનું દેવું વારસામાં લેશે. સંસ્થાની પ્રથમ પ્રાથમિકતા ‘મોઆ પોઈન્ટ’ (Moa Point) ટ્રીટમેન્ટ પ્લાન્ટને સુધારવાની છે, જે ફેબ્રુઆરીમાં નિષ્ફળ ગયા પછી સતત પ્રદૂષણ ફેલાવી રહ્યો છે. જોકે, સંસ્થાએ ખાતરી આપી છે કે જે લોકો બિલ ચૂકવવામાં આર્થિક મુશ્કેલી અનુભવતા હશે તેમનું પાણી કાપવામાં આવશે નહીં.