દુબઈથી ટોર્ન્ટો પહોંચતા જ ભારતીય મૂળના અરસલાન ચૌધરીની ધરપકડ,400 કિલો સોનું અને 2.5 મિલિયન ડોલરની લૂંટનો માસ્ટરમાઇન્ડ જેલ ભેગો; એર કેનેડાના કર્મચારીઓ સાથે મળીને ઘડ્યું હતું કાવતરું

કેનેડાના ગુનાહિત ઈતિહાસની સૌથી હાઈ-પ્રોફાઈલ સોનાની ચોરીના કેસમાં પીલ રિજનલ પોલીસે મોટી સફળતા મેળવી છે. આ ચોરીના મુખ્ય સૂત્રધાર ગણાતા ૪૩ વર્ષીય ભારતીય મૂળના અરસલાન ચૌધરીને દુબઈથી ટોર્ન્ટોના પિયર્સન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસ તેને આ ગેંગનો “ટોપ ડોગ” એટલે કે સૌથી પ્રભાવશાળી વ્યક્તિ માની રહી છે.

શું હતી સમગ્ર ઘટના? 17 એપ્રિલ 2023ના રોજ સ્વિટ્ઝરલેન્ડના ઝ્યુરિચથી ટોર્ન્ટો આવેલી ફ્લાઇટમાં અંદાજે 400 કિલો સોનું અને ૨.૫ મિલિયન ડોલરની વિદેશી કરન્સી લાવવામાં આવી હતી. એર કેનેડાના વેરહાઉસમાં પહોંચ્યાના ગણતરીના કલાકોમાં આ કિંમતી કાર્ગો ગાયબ થઈ ગયો હતો. આ ચોરીના રહસ્યને ઉકેલવા પોલીસે ‘પ્રોજેક્ટ 24K’ (Project 24K) શરૂ કર્યું હતું.

અરસલાન ચૌધરીની ભૂમિકા અને પુરાવા પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અરસલાન આ લૂંટના આયોજનમાં સૌથી વધુ સક્રિય હતો:

  • સીધું જોડાણ: ચોરીના દિવસે જ તેણે આરોપીઓ સાથે 772 વખત કોલ અને મેસેજ કર્યા હતા.
  • ડિજિટલ પુરાવા: ચોરીના બીજા દિવસે વોટ્સએપ ચેટમાં એક આરોપીએ તેને અભિનંદન આપ્યા ત્યારે ચૌધરીએ જવાબ આપ્યો હતો – “It’s insane” (આ પાગલપણું છે).
  • સંપત્તિનું વિતરણ: દરોડા દરમિયાન મળી આવેલી હસ્તલિખિત યાદીમાં 9 મિલિયન ડોલરની રકમને અલગ-અલગ એસેટ્સમાં વહેંચવાનો હિસાબ મળ્યો છે.

અંદરના લોકોની સંડોવણી તપાસમાં ખુલાસો થયો છે કે આ ચોરીમાં બે જૂથો સામેલ હતા. એર કેનેડાના કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓએ અંદરથી સિસ્ટમ નબળી પાડી હતી, જ્યારે અરસલાન અને તેની ગેંગે સોનાને સગેવગે કરવાનું અને વેચવાનું કામ સંભાળ્યું હતું.

હવે પછીની કાર્યવાહી અરસલાન ચૌધરી પર $5000થી વધુની ચોરી, ચોરીની મિલકત રાખવા અને ગુનાહિત કાવતરાના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. હાલમાં તે પોલીસ કસ્ટડીમાં છે. જોકે આ કેસમાં હજુ પણ એર કેનેડાના એક પૂર્વ કર્મચારી સહિત બે શંકાસ્પદ આરોપીઓ ફરાર છે, જેમને પકડવા પોલીસ ચક્રો ગતિમાન કર્યા છે.