ભારત ‘હાઈએસ્ટ-રિસ્ક’ કેટેગરીમાં સામેલ, વિઝા પ્રોસેસિંગમાં લાગશે વધુ સમય; બેંક સ્ટેટમેન્ટ અને શૈક્ષણિક દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ થશે

મેલબોર્ન/નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયા જઈને અભ્યાસ કરવાનું સપનું જોતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે. ઓસ્ટ્રેલિયા સરકારે વિઝા મેળવવાની પ્રક્રિયામાં ધરખમ ફેરફાર કરતા ભારતને ‘હાઈએસ્ટ-રિસ્ક’ (સૌથી વધુ જોખમી) કેટેગરીમાં સામેલ કર્યું છે. ૮ જાન્યુઆરીથી અમલી બનેલા આ નવા નિયમોને કારણે હવે ભારતીય વિદ્યાર્થીઓની વિઝા અરજીઓની સ્ક્રુટિની અત્યંત કડક રીતે કરવામાં આવશે.
એસેસમેન્ટ લેવલ-૨ થી લેવલ-૩ માં ફેરબદલ અત્યાર સુધી ભારત એસેસમેન્ટ લેવલ-૨ (AL2) માં હતું, પરંતુ હવે તેને વધારીને લેવલ-૩ (AL3) માં મૂકવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયામાં લેવલ-૧ એટલે સૌથી ઓછું જોખમ અને લેવલ-૩ એટલે સૌથી વધુ જોખમ માનવામાં આવે છે. ભારતની સાથે નેપાળ, બાંગ્લાદેશ, ભૂતાન અને પાકિસ્તાન જેવા દેશો પણ આ હાઈ-રિસ્ક કેટેગરીમાં સામેલ છે.
ભારતીય વિદ્યાર્થીઓ પર શું અસર થશે? વિઝા મેળવવા માટે હવે વિદ્યાર્થીઓએ નીચે મુજબના પડકારોનો સામનો કરવો પડી શકે છે:
- ઝીણવટભરી તપાસ: વિદ્યાર્થીઓના બેંક સ્ટેટમેન્ટ, આવકના સ્ત્રોત અને શૈક્ષણિક દસ્તાવેજોની સઘન ચકાસણી કરવામાં આવશે.
- વધારાના પ્રમાણપત્રો: અંગ્રેજી ભાષાની પ્રાવીણ્યતા (English language certification) માટેના પુરાવા અને રેફરન્સની વધુ કડક તપાસ થશે.
- પ્રોસેસિંગ સમય: વધારાની તપાસને કારણે વિઝા મંજૂર થવાના સમયગાળામાં વધારો થવાની શક્યતા છે.
કેમ લેવાયો આ નિર્ણય? જોકે ઓસ્ટ્રેલિયા સરકારે આ પાછળ કોઈ ચોક્કસ સત્તાવાર કારણ આપ્યું નથી, પરંતુ નિષ્ણાતો માને છે કે ભારતમાં તાજેતરમાં પકડાયેલા નકલી ડિગ્રીના કૌભાંડો આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ હોઈ શકે છે. ખાસ કરીને કેરળ પોલીસ દ્વારા પકડાયેલા નકલી ડિગ્રી રેકેટ બાદ ઓસ્ટ્રેલિયામાં વિઝાની વિશ્વસનીયતા (Integrity) જાળવી રાખવા માટે આ પગલું લેવામાં આવ્યું હોવાનું મનાય છે.
આંકડાકીય વિગત ઓસ્ટ્રેલિયાના શિક્ષણ મંત્રાલય મુજબ, ચીન (૧.૯ લાખ વિદ્યાર્થીઓ) પછી ભારત (૧.૪ લાખ વિદ્યાર્થીઓ) બીજા ક્રમે સૌથી વધુ વિદ્યાર્થીઓ મોકલતો દેશ છે. ઓસ્ટ્રેલિયાના મંત્રી જુલિયન હિલે જણાવ્યું કે, તેમનો ઉદ્દેશ્ય માત્ર જેન્યુઈન (સાચા) વિદ્યાર્થીઓને જ ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાનો છે અને સિસ્ટમની સુરક્ષા જાળવવાનો છે.