જાણો અમેરિકી પાયલોટના રેસ્ક્યુની વિગતો, ઈરાનની ધરતી પર 300 કિલોમીટર અંદર ઘૂસીને આ ટીમે ગુમ થયેલા અમેરિકી પાયલોટ (વેપન્સ સિસ્ટમ ઓફિસર) ને સુરક્ષિત રીતે બચાવી લીધો
વોશિંગ્ટન: વર્ષ 2011માં પાકિસ્તાનના એબટાબાદમાં ઘૂસીને ઓસામા બિન લાદેનને ઠાર મારનાર અમેરિકાની પ્રખ્યાત ‘Navy SEAL Team 6’ એ ફરી એકવાર પોતાની તાકાત સાબિત કરી છે. ઈરાનની ધરતી પર 300 કિલોમીટર અંદર ઘૂસીને આ ટીમે ગુમ થયેલા અમેરિકી પાયલોટ (વેપન્સ સિસ્ટમ ઓફિસર) ને સુરક્ષિત રીતે બચાવી લીધો છે.
- ટીમની પસંદગી: આ ઓપરેશન અત્યંત જોખમી હોવાથી પેન્ટાગોને તેની સૌથી ભરોસાપાત્ર અને ઘાતક ‘નેવી સીલ ટીમ-6’ ને પસંદ કરી હતી. આ ટીમે અગાઉ પણ અનેક મુશ્કેલ મિશન પાર પાડ્યા છે.
- ભારે ગોળીબાર વચ્ચે રેસ્ક્યુ: પાયલોટ સુધી પહોંચવા માટે અમેરિકી કમાન્ડોએ ઈરાની સેના અને સ્થાનિક લશ્કરી જૂથો સાથે સીધી અથડામણ કરવી પડી હતી. અહેવાલ મુજબ, રેસ્ક્યુ સાઇટ પર ભારે ગોળીબાર થયો હતો, પરંતુ અમેરિકી એરફોર્સના ડ્રોન અને ફાઈટર જેટ્સના સુરક્ષા કવચને કારણે કમાન્ડો પાયલોટ સુધી પહોંચવામાં સફળ રહ્યા.
- CIA નો માસ્ટર પ્લાન: આ મિશનમાં CIA એ ‘ડીસેપ્શન’ (છેતરપિંડી) ની રણનીતિ અપનાવી હતી. તેમણે એવી અફવા ફેલાવી કે પાયલોટ જમીન માર્ગે ભાગી રહ્યો છે, જેના કારણે ઈરાની સેના ગેરમાર્ગે દોરાઈ અને પહાડોમાં સુરક્ષા નબળી પડી ગઈ.
- પાયલોટની હાલત: બચાવવામાં આવેલા પાયલોટને કેટલીક ઈજાઓ થઈ છે અને તે હાલમાં તબીબી દેખરેખ હેઠળ છે. તેને સુરક્ષિત રીતે ઈરાનમાંથી બહાર કાઢીને કુવૈત સ્થિત અમેરિકી બેઝ પર લઈ જવામાં આવ્યો છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નિવેદન:
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મિશનને અમેરિકી સૈન્યના ઈતિહાસનું અત્યંત સાહસિક મિશન ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, “અમે અમારા સૈનિકને દુશ્મનના પ્રદેશમાંથી પાછો લાવવામાં સફળ રહ્યા છીએ અને આ માટે નેવી સીલ ટીમ-6 નો આભાર.”
પહાડોની તિરાડમાં છુપાયેલો હતો અમેરિકી પાયલોટ
3 એપ્રિલના રોજ ઈરાને અમેરિકાનું F-15E ફાઈટર જેટ તોડી પાડ્યું હતું. આ હુમલા બાદ પાયલોટ ‘કોહગીલુયેહ અને બોયર-અહમદ’ના દુર્ગમ પહાડોમાં પેરાશૂટ દ્વારા ઉતર્યો હતો. જ્યારે ઈરાની ટેલિવિઝને તેની ધરપકડ પર ઈનામ જાહેર કર્યું, ત્યારે તે 7,000 ફૂટ ઊંચી પહાડીની એક સાંકડી તિરાડમાં છુપાયેલો હતો. ગંભીર રીતે જખ્મી આ ઓફિસર પાસે બચાવ માટે માત્ર એક પિસ્તોલ અને એક અત્યાધુનિક એનક્રિપ્ટેડ બીકન (Encrypted Beacon) હતું, જેના દ્વારા તે પેન્ટાગોન સાથે સંપર્કમાં હતો.
CIA નું ‘ફ્રોડ ઓપરેશન’ અને ગુપ્ત ઠેકાણું
આ દરમિયાન, CIA એ ઈરાની સર્ચ ટીમોને ગેરમાર્ગે દોરવા માટે એક મોટું ‘ફ્રોડ ઓપરેશન’ ચલાવ્યું હતું. અમેરિકી રેસ્ક્યુ ટીમે ઈરાનની અંદર જ, ઇસ્ફહાનથી માત્ર 50 કિલોમીટર દૂર એક નિર્જન હવાઈ પટ્ટી પર પોતાનું કામચલાઉ ઠેકાણું બનાવ્યું હતું. અહીં બે MC-130J ટ્રાન્સપોર્ટ વિમાન અને MH-6 લિટિલ બર્ડ હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા હતા.
ટેકનોલોજી દુશ્મનના હાથમાં ન જાય તે માટે વિસ્ફોટ
મિશન દરમિયાન એક મોટી આફત આવી જ્યારે બંને ટ્રાન્સપોર્ટ વિમાન ટેકનિકલ ખામીને કારણે ત્યાં જ ફસાઈ ગયા. અમેરિકી સૈન્યના સિદ્ધાંત મુજબ, તેમની ગુપ્ત ટેકનોલોજી દુશ્મન દેશના હાથમાં ન લાગવી જોઈએ. આથી, કમાન્ડોએ વિમાનના સીક્રેટ સિસ્ટમ્સ અને સોફ્ટવેરને ધડાકા સાથે ઉડાવી દીધા હતા જેથી ઈરાન તેનો અભ્યાસ ન કરી શકે.
ભારે ગોળીબાર વચ્ચે દિલધડક રેસ્ક્યુ
વિમાનો તબાહ થયા બાદ, પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. જોકે, તુરંત જ વધુ ત્રણ ટ્રાન્સપોર્ટ વિમાનો ભારે ગોળીબાર વચ્ચે ત્યાં પહોંચી ગયા. નેવી સીલ ટીમ-6 એ ઘાયલ ઓફિસર અને ત્યાં ફસાયેલી બચાવ ટીમને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધી. આ આખા ઓપરેશનની સૌથી મોટી સફળતા એ રહી કે કોઈ પણ અમેરિકી સૈનિકે જીવ ગુમાવ્યો નથી. હાલમાં તે અધિકારીને સારવાર માટે કુવૈત લઈ જવામાં આવ્યો છે.