• અમેરિકાના ઇતિહાસનો સૌથી મોટો આતંકી હુમલો: ટ્વીન ટાવર્સ પર આતંકી હુમલાની ભયાનકતા
  • ‘Empty Sky’ સ્મારકની વિશેષતા: ટ્વીન ટાવરની ઊંચાઈ સમાન બે સ્ટીલની દીવાલો
  • ન્યૂ જર્સીના નાગરિકોની યાદગીરી: દીવાલો પર 746 મૃતકોના નામનું અંકન
  • લિબર્ટી સ્ટેટ પાર્ક અને તેનું મહત્વ: સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની નજીક આવેલું ઐતિહાસિક સ્થળ

ન્યૂ જર્સીથી વરિષ્ઠ પત્રકાર સમીર શુક્લનો Exclusive Report
11 સપ્ટેમ્બર, 2001ના રોજ અમેરિકાના ન્યૂ યોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વીન ટાવર્સ પર થયેલો આતંકી હુમલો અમેરિકાના ઇતિહાસનો સૌથી મોટો અને ભયાનક હુમલો માનવામાં આવે છે. આ હુમલામાં કુલ 2,977 નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા હતા. આ હુમલો માત્ર માનવતા પર નહી પરંતુ અમેરિકાના અસ્તિત્વ પર પણ હતો. તે દિવસે આતંકવાદીઓએ વિસ્ફોટકોથી ભરેલા વિમાનોને નોર્થ ટાવર (1368 ફૂટ) અને સાઉથ ટાવર (1362 ફૂટ) સાથે ટકરાવી દીધા હતા. વિમાનો અથડાતાની સાથે જ પ્રચંડ વિસ્ફોટ થયો અને લોખંડી માળખું (Steel Structure) ધરાવતા આ 110 માળના ટાવર્સ વિસ્ફોટકોની આગમાં પીગળવા લાગ્યા, જેના પરિણામે બંને ભવનો ધરાશાયી થયા હતા. ટાવરોના કન્સ્ટ્રક્શનમાં આશરે બે લાખ ટન લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

‘Empty Sky’ સ્મારકની વિશેષતા: ટ્વીન ટાવરની ઊંચાઈ સમાન બે સ્ટીલની દીવાલો

9/11ના આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ન્યૂ જર્સી રાજ્યના લિબર્ટી સ્ટેટ પાર્કમાં એક ઐતિહાસિક સ્મારક બનાવવામાં આવ્યું છે, જેને સામાન્ય રીતે “Empty Sky 9/11 મેમોરિયલ” તરીકે ઓળખવામાં આવે છે. આ સ્મારકને 10 સપ્ટેમ્બર, 2011ના રોજ નાગરિકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

આ મેમોરિયલ બે સમાંતર સ્ટેનલેસ સ્ટીલની દિવાલોથી બનેલું છે. આ દિવાલોની લંબાઈ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વીન ટાવર્સના દરેક પાસા (ફૂટપ્રિન્ટ)ની લંબાઈ જેટલી રાખવામાં આવી છે, જે બે ટાવરની ગેરહાજરીમાં આકાશની ખાલી જગ્યા (Empty Sky) ને પ્રતીકાત્મક રીતે દર્શાવે છે. સ્ટીલના મેમોરિયલની બિલકુલ આગળના ભાગમાં ટ્વીન ટાવરનો અસલ કાટમાળ (લોખંડી ગર્ડરો) મૂકવામાં આવ્યો છે, જે ભયાનકતાની યાદ તાજી કરાવે છે.

ન્યૂ જર્સીના નાગરિકોની યાદગીરી: દીવાલો પર 746 મૃતકોના નામનું અંકન

સ્ટીલની આ દિવાલો પર 9/11ના હુમલામાં મૃત્યુ પામેલા ન્યૂ જર્સીના 746 નાગરિકોના નામ અંકિત કરવામાં આવ્યા છે. આ નામોમાં ન્યૂ જર્સીમાં રહેતા અથવા તેની સાથે જોડાયેલા લોકોનો સમાવેશ થાય છે. બે દિવાલોની વચ્ચે એક પાથ બનાવવામાં આવ્યો છે, જેની વચ્ચે ચાલીને લોકો મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.

  • સ્મારકની ડિઝાઇન આર્કિટેક્ટ જેસિકા જેમરોઝ (Jessica Jamroz) અને ફ્રેડરિક શ્વાર્ટ્ઝ (Frederic Schwartz) દ્વારા કરવામાં આવી છે. શ્વાર્ટ્ઝે ટ્વીન ટાવર્સનો વિનાશ પોતાની નજર સમક્ષ જોયો હતો.
  • સ્ટીલની દિવાલો દિવસના પ્રકાશમાં બદલાતા રંગોને પ્રતિબિંબિત કરે છે, જે શોક અને આશાના પ્રતીક તરીકે કામ કરે છે.

આ મેમોરિયલ માત્ર શોકનું પ્રતીક નથી, પરંતુ એકતા, યાદ અને પુનઃનિર્માણનો સંદેશ પણ આપે છે.

લિબર્ટી સ્ટેટ પાર્ક અને તેનું મહત્વ: સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની નજીક આવેલું ઐતિહાસિક સ્થળ

ન્યૂ જર્સીના જર્સી સિટીમાં અપર ન્યૂ યોર્ક બે (Upper New York Bay) પર આવેલો લિબર્ટી સ્ટેટ પાર્ક રાજ્યનું એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પાર્ક છે. 1,212 એકરમાં ફેલાયેલો આ પાર્ક ન્યૂ જર્સી રાજ્યનો સૌથી મોટો શહેરી વિસ્તારમાં આવેલો પાર્ક છે.

આ પાર્ક લિબર્ટી આઇલેન્ડ (Statue of Liberty) અને એલિસ આઇલેન્ડ (Ellis Island) ની નજીક આવેલો છે. અહીંથી વિશ્વવિખ્યાત મેનહટન સ્કાયલાઇનના અદ્ભુત દૃશ્યો જોવા મળે છે. હડસન નદીના કિનારે આવેલું આ સ્થળ વોકિંગ, જોગિંગ, સાયક્લિંગ અને રોલર-બ્લેડિંગ માટે આદર્શ છે. પાર્કની આ વિશેષતાઓને કારણે દર વર્ષે લગભગ 45 લાખ પર્યટકો આ સ્થળની મુલાકાત લે છે.

લિબર્ટી સ્ટેટ પાર્ક ખાતે આવેલું સેન્ટ્રલ રેલરોડ ઓફ ન્યૂ જર્સી ટર્મિનલ પણ મેમોરિયલ સાથે જોડાયેલું છે, જે એક સમયે ન્યૂ જર્સી અને ન્યૂ યોર્ક વચ્ચેનો મુખ્ય કડી હતો.