સંસદીય સમિતિની ભલામણ બાદ પણ વર્તમાન નિયમો જાળવી રાખવા સરકારનો નિર્ણય, નિર્ણયથી દિવાળી, માતારિકી, ચાઇનીઝ ન્યૂ યર અને નૂતન વર્ષ ફટાકડા ફોડી શકાશે
ન્યૂઝીલેન્ડ સરકારે દેશમાં દારૂગોળા અને ફટાકડાના ખાનગી ઉપયોગ તેમજ જાહેર વેચાણ પર પ્રતિબંધ મૂકવાની સંસદીય સમિતિની ભલામણને સત્તાવાર રીતે ફગાવી દીધી છે. સરકારના આ નિર્ણયથી દિવાળી, માતારિકી, ચાઇનીઝ ન્યૂ યર અને નૂતન વર્ષ જેવા ધાર્મિક તથા સાંસ્કૃતિક ઉત્સવો દરમિયાન નાગરિકો અને સ્થાનિક સમુદાયો પહેલાની જેમ જ ખાનગી રીતે આતશબાજી કરી શકશે.
મે મહિનામાં સંસદની પીટિશન્સ કમિટીએ ફટાકડાથી પશુઓ, સંપત્તિ અને લોકોને થતા નુકસાન તેમજ આગના જોખમોને ધ્યાનમાં રાખીને ખાનગી ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી માત્ર વ્યાવસાયિક જાહેર શો (Public Displays) યોજવા માટે કડક ભલામણ કરી હતી. જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે જોખમો પ્રત્યે સભાન હોવા છતાં, સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાથી નાગરિકોની વર્ષો જૂની કાયદેસરની સ્વતંત્રતા છીનવાઈ જશે. આથી, સરકારે વ્યક્તિગત પસંદગી અને જોખમ વ્યવસ્થાપન વચ્ચે સંતુલન જાળવી રાખીને વર્તમાન કાયદાકીય સ્થિતિ (Status Quo) ચાલુ રાખવાની જાહેરાત કરી છે.