વડાપ્રધાન અલ્બેનિસની મોટી જાહેરાત: 6.2 મિલિયન કામદારોને થશે સીધો ફાયદો, માત્ર એક ‘ટિક’ થી ટેક્સ રિટર્ન તૈયાર,કરદાતાઓને આનાથી સરેરાશ $205 ની બચત થશે.
ઓસ્ટ્રેલિયન ફેડરલ સરકારે લાંબા સમયથી રાહ જોવાતા $1000 ના ઇન્સ્ટન્ટ ટેક્સ ડિડક્શન (કપાત) ને કાયદાકીય સ્વરૂપ આપવાની જાહેરાત કરી છે. ટ્રેઝરર જિમ ચાલમર્સે પુષ્ટિ કરી છે કે આ નવી જોગવાઈ 2027 ની ટેક્સ સીઝન (આગામી વર્ષ) થી અમલી બનશે. આ સુધારો લેબર સરકારના મે મહિનાના બજેટનો એક મુખ્ય હિસ્સો છે, જેને ઈરાન-અમેરિકા યુદ્ધ જેવી વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને નવેસરથી તૈયાર કરવામાં આવ્યું છે.
કાગળિયા અને સમયની મોટી બચત. વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે જણાવ્યું હતું કે, “હવે કોઈ પેપરવર્ક નહીં, રસીદોના બોક્સ નહીં કે ઓનલાઇન બેંકિંગમાં સર્ચ કરવાની જરૂર નહીં – બસ માત્ર એક બોક્સ પર ટિક કરો અને તમારું રિટર્ન તૈયાર થઈ જશે.” આ યોજનાનો હેતુ કરદાતાઓને તેમના જ પૈસા ઝડપથી પાછા અપાવવાનો છે, જેના માટે હવે એકાઉન્ટન્ટ કે રસીદોની જરૂર રહેશે નહીં.
કોને અને કેટલો ફાયદો થશે?
- પાત્રતા: આશરે 6.2 મિલિયન (62 લાખ) ઓસ્ટ્રેલિયન કામદારો આ ઇન્સ્ટન્ટ ડિડક્શન માટે પાત્ર બનશે.
- સરેરાશ બચત: કરદાતાઓને આનાથી સરેરાશ $205 ની બચત થશે.
- મહત્તમ બચત: કાયદા હેઠળ મહત્તમ ટેક્સ બચત $470 સુધી હોઈ શકે છે.
બજેટમાં સુધારો અને અન્ય સુધારાઓ. જિમ ચાલમર્સે સ્પષ્ટ કર્યું કે ફેબ્રુઆરીના અંતમાં શરૂ થયેલા યુદ્ધને કારણે બજેટમાં મોટા ફેરફારો કરવા પડ્યા છે. આગામી બજેટમાં ટેક્સ સુધારાની સાથે ઉત્પાદકતા (Productivity) વધારવા અને બચત કરવા પર પણ ભાર મૂકવામાં આવશે. આગામી દિવસોમાં NDIS (નેશનલ ડિસેબિલિટી ઇન્સ્યોરન્સ સ્કીમ) ના સુધારા અંગે પણ જાહેરાત કરવામાં આવશે.
ધ્યાન રાખવા જેવી બાબતો
ઇન્સ્ટન્ટ $1000 કપાતનો અર્થ એ નથી કે તમને પૂરેપૂરા $1000 રોકડા પાછા મળશે. તે તમારી કરપાત્ર આવકમાંથી બાદ થશે. ઓનલાઇન પ્લેટફોર્મ ‘Etax’ મુજબ, સરેરાશ કામદાર માટે આ રીફંડની રકમ અંદાજે $300 થી ઓછી હોઈ શકે છે.
એક મહત્વની ચેતવણી: જો તમે આ ‘સરળ’ $1000 ની કપાત સ્વીકારો છો, તો તમે તમારા વાસ્તવિક કામકાજ સંબંધિત ખર્ચાઓ ક્લેમ કરી શકશો નહીં. જો તમારા વાસ્તવિક ખર્ચ આખા વર્ષ દરમિયાન $1000 થી વધુ થતા હોય, તો તમારે જૂની પદ્ધતિ (રસીદો સાથે) મુજબ જ રિટર્ન ફાઈલ કરવું જોઈએ, જેથી તમને મોટું ટેક્સ રીફંડ મળી શકે.