21 થી 26 જાન્યુઆરી દરમિયાન વૈદિક વિધિ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ; વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની રહેશે પ્રેરક ઉપસ્થિતિ

Shree Swaminarayan Temple Junagadh Dham, Melbourne, Inauguration, Murti Pratishtha Mahotsav,

મેલબોર્ન (વિક્ટોરિયા): ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યમાં રહેતા હિન્દુ સમુદાય અને સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો માટે જાન્યુઆરી 2026નો મહિનો ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે. મેલબોર્નના રોકબેન્ક (Rockbank) ખાતે નવનિર્મિત ‘શ્રી સ્વામિનારાયણ મંદિર જુનાગઢધામ’ના દ્વાર ભક્તો માટે ખુલ્લા મુકાશે. આગામી 21 થી 26 જાન્યુઆરી દરમિયાન અહીં ભવ્ય ‘મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે, જે ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા ધાર્મિક ઉત્સવોમાંનો એક બની રહેશે.

દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા અને ધાર્મિક વિધિ મહોત્સવનો મુખ્ય અને સૌથી પવિત્ર પ્રસંગ રવિવાર, 25 જાન્યુઆરીના રોજ યોજાશે. વડતાલ ગાદીના આચાર્ય 1008 શ્રી રાકેશપ્રસાદજી મહારાજના વરદહસ્તે અને પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજીના માર્ગદર્શન હેઠળ મંદિરમાં દેવોની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ વિધિ બાદ મંદિર વિધિવત રીતે દૈનિક પૂજા-અર્ચના માટે ખુલ્લું મુકાશે.

સાત દિવસીય મહોત્સવની ઝલક મહોત્સવની શરૂઆત બુધવાર, 21 જાન્યુઆરીએ ભવ્ય પોથીયાત્રા સાથે થશે. આખા અઠવાડિયા દરમિયાન ભક્તિ અને સંસ્કૃતિનો સંગમ જોવા મળશે:

  • કથા અને ઘરસભા: દરરોજ આધ્યાત્મિક જ્ઞાન અને સત્સંગ માટે કથાનું આયોજન.
  • ઉત્સવની ઉજવણી: ઘનશ્યામ પ્રાગટ્ય ઉત્સવ અને ગાદી પટ્ટાભિષેક જેવા વિશેષ પર્વોની ઉજવણી.
  • સાંસ્કૃતિક કાર્યક્રમ: શુક્રવાર, 23 જાન્યુઆરીએ જાણીતા કલાકાર હિતેશ અંટાળા દ્વારા ‘હાસ્ય ડાયરો’ અને લોકસાહિત્યની રમઝટ બોલાવવામાં આવશે.
  • નગરયાત્રા અને યજ્ઞ: શનિવારે ભવ્ય નગરયાત્રા નીકળશે અને ભગવાનની પ્રસન્નતા માટે મહાયજ્ઞ યોજાશે.

સમુદાય માટે આસ્થાનું કેન્દ્ર મંદિરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “આ મંદિર માત્ર ભક્તિનું સ્થળ નથી, પરંતુ આવનારી પેઢી માટે સંસ્કાર અને સંસ્કૃતિનું કેન્દ્ર બનશે. રોકબેન્ક ખાતેનું આ પરિસર યુવા પ્રવૃત્તિઓ, શિક્ષણ અને સામાજિક સેવાઓનું હબ બની રહેશે.”

ગ્લોબલ કનેક્ટ અને ડિજિટલ પ્રસારણ આ મહોત્સવમાં ઓસ્ટ્રેલિયાભરમાંથી હજારો ભક્તો ઉમટી પડવાની શક્યતા છે. જે ભક્તો પ્રત્યક્ષ ઉપસ્થિત નહીં રહી શકે, તેમના માટે ‘સરધારધામ’ પ્લેટફોર્મ પર તમામ કાર્યક્રમોનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. 25 જાન્યુઆરીએ ભવ્ય અન્નકૂટ આરતી અને રાત્રે 9:30 કલાકે આતશબાજીના અદભૂત નજારા સાથે મહોત્સવ તેની ચરમસીમાએ પહોંચશે.