દીકરીઓને લાઇફ પાર્ટનર પસંદ કરવાનો હક નથી? કહેવાતા આધુનિક સમાજમાં રૂઢિચુસ્તતાનો આક્રોશ, કિંજલ દવે અને ધ્રુવીન શાહની સગાઇ સમાજ અને સંસ્કૃતિ વચ્ચેના દાયકાઓ જૂના સંઘર્ષનું કેન્દ્ર બની

Kinjal Dave Dhruvin Shah Engagement, Brahman Samaj, Gujarat, News,

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે, જેમણે તાજેતરમાં બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી, તે આજે સમાજ અને સંસ્કૃતિ વચ્ચેના દાયકાઓ જૂના સંઘર્ષનું કેન્દ્ર બની છે. પોતાની જ્ઞાતિ બહાર સગાઈ કરવાના ‘ગુના’ બદલ, કાંકરેજના શિહોરી ખાતે પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજની એક બેઠકમાં તેમના પરિવારને નાતબહાર કરવાનો નિર્ણય લેવાયો છે, જેણે ગુજરાતના કહેવાતા આધુનિક સમાજના પિતૃસત્તાક ચહેરાને છતો કર્યો છે.

કલાકારનો બુલંદ અવાજ

સામાજિક બહિષ્કારના આ નિર્ણય સામે કિંજલ દવેએ મૌન તોડીને સોશિયલ મીડિયા પર એક વીડિયો દ્વારા આક્રમક પ્રતિક્રિયા આપી છે. એક બ્રહ્મકન્યા હોવાનું ગૌરવ વ્યક્ત કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે પરિવારની વાત આવશે તો તે સહન નહીં કરે. તેમણે આ નિર્ણય લેનારા લોકોને “બે-ચાર અસામાજિક તત્ત્વો” ગણાવીને ઝાટક્યા હતા. કિંજલે સવાલ ઉઠાવ્યો કે જ્યારે દેશની દીકરીઓ તેજસ જેવાં વિમાન ઉડાવે છે, સંસદમાં છે અને દરેક ક્ષેત્રમાં ગૌરવ અપાવે છે, ત્યારે શું આ રૂઢિચુસ્ત તત્ત્વો નક્કી કરશે કે દીકરીને જીવનસાથી પસંદ કરવાનો મૂળભૂત હક નથી?

તેમણે પોતાના વિરોધીઓ પર પ્રહાર કરતાં કહ્યું કે આ તત્ત્વો “દીકરીઓની પાંખો કાપવા”ની વાત કરે છે, જ્યારે તેઓ ખુદને 18મી સદીના કુરિવાજો, જેમ કે સાટાપ્રથા, બાળલગ્નો અને દીકરીઓને પૈસા લઈને પરણાવવા જેવી પ્રથાઓમાં જકડી રાખે છે. કિંજલે સ્પષ્ટપણે કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે.

સમાજ આગેવાનોનો અડગ નિર્ણય

સામે પક્ષે, પાંચ પરગણા બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ જનક જોશીએ તેમના નિર્ણયનો સખત બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે આ સામાજિક બહિષ્કારનો નિર્ણય છે, જેમાં સમાજ સર્વોપરિ છે અને સમાજ માટે 21મી સદી જેવો કોઈ ખ્યાલ નથી. કિંજલ દવે દ્વારા સમાજના આગેવાનોને ‘અસામાજિક તત્ત્વો’ ગણાવવાને તેમણે “હલકી માનસિકતા” ગણાવી અને તેમના નિર્ણય પર કાયમ રહેવાની પુષ્ટિ કરી. જોશીએ સ્પષ્ટ કર્યું કે આ કોઈ પર્સનલ વિરોધ નથી, પણ સામાજિક નિયમોનો ભંગ છે.

બાળ લગ્ન અંગેના પૂરાવા હોય તો આપે કિંજલ દવે- હેમાંગ રાવલ
બ્રહ્મ સમાજના અગ્રણી હેમાંગ રાવલે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ‘સમાજે જે પણ નિર્ણય લીધો છે તે સમાજના બંધારણને આધીન રહીને અને સર્વાનુમતે લેવામાં આવ્યો છે. દરેક સમાજને પોતાના સામાજિક નિર્ણયો લેવાની સ્વાયત્તતા હોય છે અને બ્રહ્મ સમાજનો આ નિર્ણય જરા પણ ખોટો નથી. તે પોતાની ઉપર લાગેલા ગંભીર આરોપોનો સામનો કરવાને બદલે અત્યારે સહાનુભૂતિ મેળવવા માટે ‘વિક્ટિમ કાર્ડ’ રમી રહી છે. સમાજ દ્વારા આ કડક નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે જેથી ભવિષ્યમાં અન્ય કોઈ દીકરીઓ પણ આવા પગલાં ભરતા પહેલા સો વખત વિચાર કરે. સમાજનું કામ નવી પેઢીને સાચા રસ્તે વાળવાનું છે અને આ નિર્ણય તે જ દિશામાં લેવાયેલું એક પગલું છે.

કિંજલ દવેએ પોતાના બચાવમાં સમાજના આગેવાનોને ‘અસામાજિક’ કહ્યા હતા અને સમાજમાં બાળલગ્ન થતા હોવાના આક્ષેપો કર્યા હતા. આ મુદ્દે હેમાંગ રાવલે વળતો જવાબ આપતા કહ્યું કે, આગેવાનો પર કરાયેલા આક્ષેપો તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. જો કિંજલ દવે પાસે બ્રહ્મ સમાજમાં બાળલગ્ન થતા હોવાના કોઈ પણ પુરાવા હોય તો તે સમાજ સમક્ષ રજૂ કરે અથવા પોલીસ કેસ કરે. માત્ર વાતો કરીને સમાજને બદનામ કરવાનું કૃત્ય ચલાવી લેવામાં આવશે નહીં.

સમાજમાં દીકરીઓની પાંખો કાપવામાં આવે છે તેવા કિંજલના આરોપ પર રોષ વ્યક્ત કરતા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, બ્રહ્મ સમાજમાં દીકરીઓને પૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવે છે. સમાજ હંમેશા દીકરીઓની પ્રગતિનો પક્ષઘર રહ્યો છે. જેનું જીવતું જાગતું ઉદાહરણ એ છે કે બ્રહ્મ સમાજની વાડીમાં દીકરીઓ માટે UPSC અને GPSCના નિઃશુલ્ક વર્ગો ચલાવવામાં આવે છે. જો કિંજલ દવે ઈચ્છે તો તે પણ આ ક્લાસનો લાભ લઈ શકે છે.