પૂર્વ વડાપ્રધાનના પ્રવક્તાએ પુષ્ટિ કરી કે આર્ડન પરિવાર છેલ્લા ઘણાં વર્ષોથી સતત મુસાફરી રહ્યો છે અને હવે તેઓ ઓસ્ટ્રેલિયાને નવું ઠેકાણું બનાવી રહ્યા છે
સિડની: ન્યુઝીલેન્ડના પૂર્વ વડાપ્રધાન ડેમ જેસિન્ડા આર્ડર્ન (Dame Jacinda Ardern) અને તેમના પતિ ક્લાર્ક ગેફોર્ડ હવે ઓસ્ટ્રેલિયામાં પોતાનું નવું ઠેકાણું બનાવી રહ્યા છે. આર્ડર્નના પ્રવક્તાએ પુષ્ટિ કરી છે કે તેમનો પરિવાર છેલ્લા કેટલાક વર્ષોથી સતત મુસાફરી કરી રહ્યો હતો, પરંતુ હવે તેઓ ઓસ્ટ્રેલિયાને પોતાનું બેઝ (મુખ્ય મથક) બનાવી રહ્યા છે. ત્યાં કામ હોવાની સાથે ન્યુઝીલેન્ડ નજીક હોવાનો ફાયદો પણ તેમને મળશે.
સિડનીના બીચ સાઇડ વિસ્તારોમાં ઘરની તપાસ ઓસ્ટ્રેલિયન રિયલ એસ્ટેટ સાઇટ્સના અહેવાલ મુજબ, આર્ડર્ન અને ગેફોર્ડને સિડનીના ઉત્તરીય બીચ વિસ્તારો જેવા કે ‘ફ્રેશવોટર’ (Freshwater) અને ‘કર્લ કર્લ’ (Curl Curl) માં પ્રોપર્ટી જોતા જોવામાં આવ્યા હતા. આ વિસ્તારોમાં મકાનોની સરેરાશ કિંમત $3 મિલિયન થી $4 મિલિયન (ઓસ્ટ્રેલિયન ડોલર) ની વચ્ચે હોય છે. ઉલ્લેખનીય છે કે, જેસિન્ડા પહેલા ન્યુઝીલેન્ડના પૂર્વ વડાપ્રધાન સર જોન કી પણ 2020 માં સિડનીમાં $5.7 મિલિયનનું એપાર્ટમેન્ટ ખરીદી ચૂક્યા છે.
જાહેર સ્થળોએ જોવા મળ્યા જેસિન્ડા આર્ડર્ન તાજેતરમાં સિડનીથી દક્ષિણમાં આવેલા ગેરીનગોંગ (Gerringong) શહેરમાં એક કોમ્યુનિટી એક્સ્પોમાં ડેમ એનેટ કિંગ સાથે જોવા મળ્યા હતા. સ્થાનિક મેયર કેમરૂન મેકડોનાલ્ડ પણ તેમને મળીને પ્રભાવિત થયા હતા અને તેમને ન્યુઝીલેન્ડના એક પ્રભાવશાળી નેતા ગણાવ્યા હતા.
નિવૃત્તિ પછીની વ્યસ્તતા જાન્યુઆરી 2023 માં વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ જેસિન્ડા આર્ડર્ન શૈક્ષણિક અને સામાજિક કાર્યોમાં વ્યસ્ત છે. તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં ફેલોશિપ કરી રહ્યા છે અને પ્રિન્સ વિલિયમના અર્થશોટ પ્રાઈઝ (Earthshot Prize) માં ટ્રસ્ટી પણ છે. આ ઉપરાંત, તેમણે તાજેતરમાં પોતાની યાદો પર આધારિત પુસ્તક ‘A Different Kind of Power’ અને બાળકો માટેનું એક પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે. આ વર્ષે કિશોરો માટેનું તેમનું નવું પુસ્તક પણ બહાર આવવાની શક્યતા છે. બીજી તરફ, તેમના પતિ ક્લાર્ક ગેફોર્ડ ફિલ્મ નિર્માણમાં વ્યસ્ત છે.