ઈરાને સૌદી અરેબિયા, જોર્ડન, બહેરીન, કુવૈત, કતાર અને સંયુક્ત આરબ અમીરાત (UAE) માં સ્થિત અમેરિકાના 7 સૈન્ય અને નૌકાદળ મથકો પર બેલેસ્ટિક મિસાઈલોનો મારો ચલાવ્યો

ઈરાને મધ્ય પૂર્વમાં અમેરિકાના વ્યૂહાત્મક મથકોને નિશાન બનાવીને મોટી સૈન્ય કાર્યવાહી કરી છે. તાજા અહેવાલો મુજબ, ઈરાને સૌદી અરેબિયા, જોર્ડન, બહેરીન, કુવૈત, કતાર અને સંયુક્ત આરબ અમીરાત (UAE) માં સ્થિત અમેરિકાના 7 સૈન્ય અને નૌકાદળ મથકો પર બેલેસ્ટિક મિસાઈલોનો મારો ચલાવ્યો છે. આ હુમલા બાદ સમગ્ર મધ્ય પૂર્વમાં યુદ્ધની જ્વાળાઓ પ્રચંડ બની છે.

બહેરીનમાં US નેવીના 5th ફ્લીટ હેડક્વાર્ટર પર નિશાન

બહેરીન સરકારે પુષ્ટિ કરી છે કે આઈલેન્ડ કિંગડમમાં સ્થિત અમેરિકન નૌકાદળના અત્યંત મહત્વના 5th ફ્લીટ હેડક્વાર્ટર પર મિસાઈલ હુમલો થયો છે. રાજધાની મનામામાં પ્રચંડ ધડાકા સંભળાયા છે. બહેરીને આ હુમલાને તેની સંપ્રભુતાનું ઉલ્લંઘન ગણાવીને દેશમાં ‘ઈમરજન્સી પગલાં’ લાગુ કર્યા છે અને આ ધોકેબાજ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી છે.

કતાર, કુવૈત અને UAE ના એરબેઝ પર તાબડતોબ હુમલા

ઈરાને અમેરિકાના પ્રખ્યાત એરબેઝ પર મિસાઈલોનો વરસાદ કર્યો છે:

  • કતાર: અહીંના અલ ઉદૈદ એરબેઝ પર હુમલો થયો છે, ત્યારબાદ દોહામાં એરબેઝ બંધ કરી દેવામાં આવ્યું છે. નાગરિકોને મોબાઈલ પર એલર્ટ મોકલી સુરક્ષિત સ્થળોએ આશરો લેવા જણાવાયું છે.
  • કુવૈત: અહીંના અલ સલેમ એરબેઝ અને US આર્મી સેન્ટ્રલના ઠેકાણા પર ધડાકા સંભળાયા છે.
  • UAE: અબુ ધાબીના અલ ધફરા એરબેઝ ને પણ નિશાન બનાવવામાં આવ્યું છે.

અબુ ધાબીમાં એકનું મોત અને દુબઈ-રિયાધમાં ધડાકા

ઈરાનના આ હુમલાની અસર માત્ર સૈન્ય મથકો પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ મોટા શહેરોમાં પણ તેની અસર જોવા મળી છે. સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ, UAE ના દુબઈ અને અબુ ધાબી માં પણ હુમલાના અહેવાલ છે. પ્રાથમિક જાણકારી મુજબ, અબુ ધાબીમાં આ હુમલાને કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.

ઈઝરાયેલમાં ભારતીયો માટે એમ્બેસીનું એલર્ટ

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવને જોતા, ઈઝરાયેલ સ્થિત ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. ભારતીયોને સતર્ક રહેવા અને સ્થાનિક સુરક્ષા સૂચનાઓનું કડક પાલન કરવા જણાવાયું છે. નિષ્ણાતોના મતે હવે આ જંગને રોકવો મુશ્કેલ બની રહ્યો છે.