જ્યોર્જ બ્રાઉન કોલેજમાં MBA કરતો હતો ઘાટલોડિયાનો હર્ષ પટેલ, ભારત લવાશે હર્ષ પટેલનો મૃતદેહ


કેનેડામાં ગુજરાતી વિદ્યાર્થી હર્ષ વીનસ પટેલનું શંકાસ્પદ અવસ્થામાં મોત થયું છે. હર્ષ મિત્રને ત્યાં અસાઇન્મેન્ટ આપવાનું કહી શુક્રવારે ટોરન્ટો સ્થિત હોસ્ટેલથી નીકળ્યો હતો, પરંતુ તે હોસ્ટેલ પરત ફર્યો ન હતો. પોલીસ તપાસ દરમિયાન 26 વર્ષીય હર્ષ પટેલનો મૃતદેહ લેક ઓન્ટારિયોમાંથી મળ્યો હતો અને તેની પાસે રહેલા ક્રેડિટ કાર્ડ તથા અન્ય ઓળખ માટેના જરૂરી દસ્તાવેજો ગાયબ હતા. જેથી હર્ષ સાથે કંઇક અજુગતું બન્યું છે કે નહીં તેની પોલીસ તપાસ કરી રહી છે. આ તરફ મૂળ મહેસાણાનો અને અમદાવાદમાં રહેતો પરિવાર હર્ષના સમાચાર સાંભળીને ભાંગી પડ્યો હતો. પોલીસને શનિવારે સાંજે હર્ષનો મૃતદેહ મળી આવ્યો હતો, અને તેના મોત અંગે ભારતીય એમ્બેસીએ તેના ઘાટલોડિયા રહેતા પરિવારને જાણ કરી હતી.
એક-દોઢ વર્ષથી કેનેડામાં રહેતો હતો હર્ષ
મૃતક હર્ષ એક-દોઢ વર્ષથી કેનેડામાં રહેતો હતો છેલ્લે તે એમબીએનો અભ્યાસ પૂર્ણ કરવા માટે ટોરેન્ટોની જ્યોર્જ બ્રાઉન કોલેજ પહોંચ્યા હતો. હર્ષ પટેલના મોતના સમાચાર મળતા જ અહીંથી તેના કાકા ઉપેન્દ્ર પટેલ કેનેડા જવા રવાના થઈ ગયા હતા. ત્યાં કાયદાકીય પ્રક્રિયા પુર્ણ કરીને હર્ષના પાર્થિવ દેહને ઈન્ડિયા લઈ જવા તૈયારી કરવામાં આવી છે. તેમાં હજુ બીજા 12 દિવસનો સમય લાગવાની સંભાવના છે.
મિત્રોમાં ઘેરા શોકની લાગણી
આ તરફ કેનેડામાં રહેતા મિત્રો હર્ષના અચાનક થયેલા મોતથી શોકમાં ગરકાવ થઇ ગયા છે. હર્ષ છેલ્લે 14 એપ્રિલે ઘરેથી મિત્રને ત્યાં અસાઇનમેન્ટ આપવાનું કહી નીકળ્યો હતો. જોકે રાત્રે પાછો ન ફરતા મિત્રોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ તરફ કાર ડ્રાઇવરે જ્યાં હર્ષને ડ્રોપ કર્યો હતો તે વિસ્તારમાં વધુ સઘન તપાસ કરતા તેનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિક ફેસબુક ગ્રૂપમાં તેના મિત્રએ હર્ષ વિશે લખતાં જણાવ્યું હતું કે પરિવારે તેના મૃતદેહને ઓળખી લીધો છે. હર્ષની દરેક યાદો અમારી સાથે હૃદયમાં રહેશે. તે હંમેશા લોકોમાં પ્રેમ પ્રસરાવતો અને ખુશ મિજાજી રહેતો હતો.
કેનેડામાં ભણતા ગુજરાતી સ્ટૂડન્ટનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હોય તેવી આ પહેલી ઘટના નથી. સૂત્રોનું માનીએ તો અગાઉ પણ ચાર ગુજરાતી સ્ટૂડન્ટ્સ આવી જ રીતે મોતને ભેટ્યા છે. હર્ષ પટેલની અંતિમવિધિ કેનેડામાં જ કરવા માટે ગુજરાતી સમુદાયે તૈયારી બતાવી હતી. જોકે, તેના પરિવારજનોએ હર્ષના પાર્થિવ દેહને ઈન્ડિયા પરત લઈ જવાનો આગ્રહ રાખ્યો છે.