નાણામંત્રી નિકોલા વિલિસ ‘ટાર્ગેટેડ અને ટેમ્પરરી’ સપોર્ટની જાહેરાત કરશે; ઓસ્ટ્રેલિયા સાથે મળીને ફ્યુઅલ સપ્લાય સુધારવા માટે ‘એન્ઝેક પેક્ટ’ પર ભાર

દેશમાં આગામી 7 અઠવાડિયા (૪૭ દિવસ) ચાલે તેટલો તેલનો સ્ટોક ઉપલબ્ધ

વેલિંગ્ટન | ન્યૂઝીલેન્ડમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા તોતિંગ વધારાથી પરેશાન પરિવારો માટે રાહતના સમાચાર છે. નાણામંત્રી નિકોલા વિલિસે જાહેરાત કરી છે કે સરકાર આવતીકાલે (મંગળવારે) ખાસ કરીને ઓછી આવક ધરાવતા પરિવારો માટે ‘ટાર્ગેટેડ અને ટેમ્પરરી’ (ચોક્કસ લક્ષિત અને હંગામી) આર્થિક સહાયની જાહેરાત કરશે.

મુખ્ય જાહેરાતો અને વ્યૂહરચના:

  • આવક પર ધ્યાન: સરકાર પેટ્રોલના ભાવ ઘટાડવાને બદલે લોકોની આવક (Income) વધારવા પર ધ્યાન આપશે, જેથી મોંઘા બળતણનો બોજ સહન કરી શકાય.
  • ફ્યુઅલ સ્ટાન્ડર્ડ્સમાં ફેરફાર: એસોસિએટ એનર્જી મિનિસ્ટર શેન જોન્સે જણાવ્યું કે ન્યૂઝીલેન્ડ હવે ઓસ્ટ્રેલિયાના ફ્યુઅલ સ્ટાન્ડર્ડ્સને અનુસરશે. આ ‘એન્ઝેક પેક્ટ’ (Anzac Pact) ને કારણે ઓસ્ટ્રેલિયા જતાં તેલના જહાજોને જરૂર પડ્યે ન્યૂઝીલેન્ડ તરફ વાળી શકાશે, જેનાથી સપ્લાય ઝડપી બનશે.
  • વર્તમાન સ્ટોક: વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને ખાતરી આપી છે કે દેશમાં આગામી 7 અઠવાડિયા (૪૭ દિવસ) ચાલે તેટલો તેલનો સ્ટોક ઉપલબ્ધ છે.

સરકારનું વલણ: ‘કોવિડ જેવી ભૂલો નહીં કરીએ’

નાણામંત્રીએ સ્પષ્ટ કર્યું કે સરકાર કોવિડ સમયની જેમ આડેધડ નાણાંનો છંટકાવ (Spray money) કરવા માંગતી નથી, કારણ કે તેનાથી લાંબા ગાળે ફુગાવો અને દેવું વધે છે. તેથી, આ સહાય માત્ર એવા જ લોકોને અપાશે જેમને તેની સૌથી વધુ જરૂર છે. ઈરાન સાથેના સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવ વધ્યા છે અને સપ્લાય ચેઈન ખોરવાઈ છે.

વૈકલ્પિક અસરો:

પેટ્રોલ મોંઘું થવાને કારણે લોકો હવે જાહેર પરિવહન (Public Transport) તરફ વળ્યા છે. ઓકલેન્ડ ટ્રાન્સપોર્ટે નોંધ્યું છે કે છેલ્લા 7 વર્ષમાં સાર્વજનિક પરિવહનનો ઉપયોગ કરનારાઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે.

વિપક્ષનો પ્રહાર

લેબર પાર્ટીના નેતા ક્રિસ હિપકિન્સે સરકારની ટીકા કરતા કહ્યું કે સરકાર આ સંકટને પહોંચી વળવા માટે પૂરતી તૈયાર નથી. તેમણે આક્ષેપ કર્યો કે દેશ અત્યારે બે વર્ષ પહેલાં કરતા વધુ આર્થિક દબાણ હેઠળ છે અને સરકાર માત્ર બહાના બનાવી રહી છે.