સાત અલગ-અલગ સ્થળોએ બ્લાસ્ટ અને ફાઈટર જેટ્સ દેખાયા; અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો, મધ્યરાત્રિએ થયેલા ધડાકાથી ફેલાયો ફફડાટ
કારાકસ: વેનેઝુએલાની રાજધાની કારાકસ શનિવારે રાત્રે શ્રેણીબદ્ધ પ્રચંડ વિસ્ફોટોથી ધણધણી ઉઠી હતી. સ્થાનિક મીડિયા અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, શહેરના વ્યૂહાત્મક સ્થાનો પર શંકાસ્પદ હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. આ હુમલાઓ પાછળ અમેરિકાનો હાથ હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે હજુ સુધી વોશિંગ્ટન કે વેનેઝુએલા સરકાર દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
મધ્યરાત્રિએ થયેલા ધડાકાથી ફેલાયો ફફડાટ સ્થાનિક સમય મુજબ રાત્રે આશરે 1:50 કલાકે પહેલો ધડાકો થયો હતો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આસપાસના મકાનોની બારીઓ ધ્રૂજવા લાગી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં આકાશમાં ધુમાડાના ગોટા અને નારંગી રંગની જ્વાળાઓ સ્પષ્ટ દેખાય છે. ધડાકા બાદ તુરંત જ રાજધાનીના અનેક ભાગોમાં અંધારપટ છવાઈ ગયો હતો અને રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યાની આશંકા એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, શહેરમાં ઓછામાં ઓછા સાત સ્થળોએ ધડાકા થયા છે. કારાકસના પશ્ચિમ ભાગમાં આવેલા વેનેઝુએલાના મુખ્ય સૈન્ય મથકો ‘ફોર્ટ ટિઉના’ અને ‘લા કાર્લોટા’ ઉપર ફાઈટર જેટ્સ ઉડતા જોવા મળ્યા હતા અને ત્યારબાદ જોરદાર બ્લાસ્ટ થયા હતા. આ વિમાનની ગર્જના અને વિસ્ફોટોને કારણે લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા.
આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા: કોલંબિયાના રાષ્ટ્રપતિનું નિવેદન આ ઘટના અંગે કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે લખ્યું કે, “આ સમયે કારાકસ પર બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. દુનિયાએ એલર્ટ થઈ જવું જોઈએ, વેનેઝુએલા પર મિસાઈલોથી હુમલો થયો છે. યુનાઈટેડ નેશન્સ (UN) એ આ મામલે તાત્કાલિક બેઠક બોલાવવી જોઈએ.”
ટ્રમ્પની અગાઉની ચેતવણી અને સીઆઈએનું ઓપરેશન નોંધનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ અનેકવાર વેનેઝુએલામાં ડ્રગ્સની હેરાફેરી અટકાવવા માટે લશ્કરી કાર્યવાહીની ચેતવણી આપી હતી. ઓક્ટોબરમાં ટ્રમ્પે CIA ને વેનેઝુએલામાં ઓપરેશન ચલાવવાની મંજૂરી આપી હોવાનું પણ સામે આવ્યું હતું. આ હવાઈ હુમલાને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને સત્તા પરથી હટાવવાની અને ગેરકાયદેસર સ્થળાંતર તેમજ ડ્રગ કાર્ટેલને તોડવાની અમેરિકી રણનીતિના ભાગ રૂપે જોવામાં આવી રહ્યા છે.