ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું વર્લ્ડ કપ ડેબ્યૂ 2006માં થયું, પોર્ટુગલ માટે અત્યાર સુધીમાં કર્યા છે 118 ગોલ

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, પોર્ટુગલ, ફિફા વર્લ્ડ કપ, Cristiano Ronaldo, Fifa World Cup, Goals, Fifa WC 2022,

FIFA વર્લ્ડ કપ 2022 (FIFA WC 2022)માં ગુરુવારે રાત્રે પોર્ટુગલ અને ઘાનાની મેચમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ 65મી મિનિટે ગોલ કરીને પોતાની ટીમને લીડ અપાવી હતી. આ ગોલ સાથે તેણે ફૂટબોલ વર્લ્ડ કપના ઈતિહાસમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તે 5 ફીફા વર્લ્ડ કપમાં ગોલ કરનાર પ્રથમ પુરુષ ફૂટબોલર બન્યો છે.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું વર્લ્ડ કપ ડેબ્યૂ 2006માં થયું હતું. તે વર્લ્ડ કપમાં, તેણે પેનલ્ટી સ્પોટથી ઈરાન સામે તેનો પ્રથમ ગોલ કર્યો હતો. આ પછી, વર્લ્ડ કપમાં તેનો આગામી ગોલ ચાર વર્ષ પછી આવ્યો. રોનાલ્ડોએ 2010ના વર્લ્ડ કપમાં નોર્થ કોરિયા સામે ગોલ કર્યો હતો. તેણે વર્લ્ડ કપ 2014માં ઘાના સામેની મેચમાં પણ ગોલ કર્યો હતો. રોનાલ્ડો માટે વર્લ્ડ કપ 2018 ખૂબ જ શાનદાર રહ્યો હતો. તેણે ગત વર્લ્ડ કપમાં ચાર ગોલ કર્યા હતા. જેમાં તેણે સ્પેન સામે હેટ્રિક ફટકારી હતી.

37 વર્ષીય રોનાલ્ડોએ પોર્ટુગલ માટે અત્યાર સુધીમાં 5 વર્લ્ડ કપમાં કુલ 18 મેચ રમી છે. આમાં તેના નામે હવે 8 ગોલ નોંધાયા છે. એકંદરે તેની કારકિર્દીમાં, તેણે પોર્ટુગલ માટે 118 ગોલ કર્યા છે. રોનાલ્ડોએ વર્ષ 2003માં પોર્ટુગલ માટે ડેબ્યૂ કર્યું હતું. તેણે યુરો 2004માં તેની કારકિર્દીનો પ્રથમ ગોલ ગ્રીક ટીમ સામે કર્યો હતો.

બે મહિલા ખેલાડીઓના નામે નોંધાયેલો છે આ રેકોર્ડ
મહિલા ફૂટબોલમાં આ રેકોર્ડ બે ખેલાડીઓ પહેલા જ હાંસલ કરી ચૂકી છે. FIFA મહિલા વિશ્વ કપ 2019માં, માર્થા અને ક્રિસ્ટિન સિંકલેરે 5 અલગ-અલગ વિશ્વમાં ગોલ કરવાનો રેકોર્ડ બનાવ્યો.