હાર્દિક પટેલ, બલરામ જાખડ બાદ હવે કપિલ સિબ્બલે છોડી કોંગ્રેસ

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
કોંગ્રેસે ચૂંટણીની હારનો સામનો કરવા ચિંતન શિબિરમાં ઘણું ચિંતન કર્યું હશે. પરંતુ આટલા મોટા ચિંતન બાદ પણ પક્ષની મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લઈ રહી. પક્ષ છોડવાની પ્રક્રિયા સતત ચાલુ છે. રાજસ્થાનમાં આયોજિત ત્રણ દિવસીય ચિંતન શિબિર બાદ પાર્ટીના ત્રણ મોટા નેતાઓએ કોંગ્રેસ છોડી દીધી છે. જેને પાર્ટી માટે એક મોટા આંચકા સમાન છે. કોંગ્રેસના ચિંતન શિબિરને સમાપ્ત થયાને માત્ર 10 દિવસ જ થયા છે, પરંતુ પક્ષમાં નેતાઓની વિદાયની પ્રક્રિયા અટકવાનું નામ નથી લઈ રહી. પંજાબના મોટા નેતા સુનીલ જાખરે કોંગ્રેસના ચિંતન શિબિર વચ્ચે રાજીનામું આપી દીધું હતું. જાખડ લાંબા સમયથી પાર્ટી હાઈકમાન્ડથી નારાજ હતા. જે બાદ તેઓ 50 વર્ષ જૂના સંબંધો તોડીને ભાજપમાં જોડાયા હતા.
ગુજરાત ચૂંટણી પહેલા મોટો ઝટકો
સુનીલ જાખડ બાદ ગુજરાતમાં કોંગ્રેસને બીજો મોટો ઝટકો લાગ્યો છે. જ્યાં પાટીદાર નેતા અને પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. પોતાના રાજીનામાની સાથે હાર્દિક પટેલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને એક પત્ર પણ લખ્યો હતો. જેમાં તેણે કોંગ્રેસને માત્ર વિરોધની રાજનીતિ કરતી પાર્ટી ગણાવી હતી અને કલમ 370, રામ મંદિર અને CAA જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કરીને ભાજપ સરકારની પ્રશંસા પણ કરી. હાલમાં હાર્દિક પટેલ કોઈપણ પક્ષમાં જોડાયો નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે તે ચૂંટણી પહેલા ભાજપમાં જોડાઈ શકે છે.
કપિલ સિબ્બલે રાજીનામું આપ્યું
છેલ્લા 10 દિવસમાં કોંગ્રેસને ત્રીજો મોટો ઝટકો પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પાર્ટીના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલના રૂપમાં લાગ્યો છે. સિબ્બલે અચાનક ખુલાસો કર્યો કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને સમાજવાદી પાર્ટીના સમર્થનથી રાજ્યસભામાં જઈ રહ્યા છે. કપિલ સિબ્બલ કોંગ્રેસના નારાજ જૂથ G-23નો ભાગ હતા, તેઓ સતત પાર્ટીના નેતૃત્વ પર સવાલો ઉઠાવતા હતા, જેના પછી તેમણે પાર્ટી છોડવાનો નિર્ણય લીધો છે.