હજારો ઇમિગ્રન્ટ્સને વિઝા અપાવતી Sydney સ્થિત એજન્ટ વનીત કૌર ચઢ્ઢાનું રજિસ્ટ્રેશન રદ: જૂઠ્ઠાણાં અને ખોટી જાહેરાતોનો આરોપ, OMARA દ્વારા કડક કાર્યવાહી
સિડની સ્થિત ‘રોયલ માઇગ્રેશન એન્ડ એજ્યુકેશન કન્સલ્ટન્ટ્સ’ માં કાર્યરત વનીત કૌર ચઢ્ઢા (Vaneet Kaur Chadha) વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાની ઓથોરિટી OMARA (Office of the Migration Agents Registration Authority) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ચઢ્ઢાએ કાયદાનું ઉલ્લંઘન કરીને ખોટી માહિતી રજૂ કરી હતી અને માઇગ્રેશન કાયદાની પ્રક્રિયાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.
તપાસમાં ગંભીર ગેરરીતિઓ સામે આવી છે. OMARA એ જ્યારે હોમ અફેર્સ ડિપાર્ટમેન્ટમાં સબમિટ કરવામાં આવેલી વિઝા અરજીઓની સમીક્ષા કરી ત્યારે જાણવા મળ્યું કે વનીત ચઢ્ઢાએ ગ્રાહકોને આપેલી ઇમિગ્રેશન સહાય છુપાવી હતી. આ ઉપરાંત, તેમણે અરજીઓના સમર્થનમાં એવી માહિતી અને નિવેદનો આપ્યા હતા જે તેઓ જાણતા હતા કે ખોટા અને ગેરમાર્ગે દોરનારા છે.
ગેરમાર્ગે દોરતી જાહેરાતો અને પ્રોફેશનલ મિસકન્ડક્ટ. ઓથોરિટીએ નોંધ્યું કે ચઢ્ઢાએ ઇન્ટરનેટ પર ખોટી જાહેરાતો આપી હતી અને એવો આભાસ ઊભો કર્યો હતો કે હોમ અફેર્સ ડિપાર્ટમેન્ટ સાથે તેમનો સીધો સંબંધ છે. વધુમાં, તેઓ પોતાના સ્ટાફ પર દેખરેખ રાખવામાં નિષ્ફળ રહ્યા હતા અને બિન-નોંધાયેલ વ્યક્તિઓને ગેરકાયદેસર ઇમિગ્રેશન સહાય પૂરી પાડવામાં મદદ કરી હતી.
સોશિયલ મીડિયા પર ‘ઈમાનદારી’ ની સલાહ આપતા હતા. આશ્ચર્યની વાત એ છે કે, વનીત ચઢ્ઢા સોશિયલ મીડિયા વીડિયોમાં ભારતીય અરજદારોને નકલી દસ્તાવેજો ન વાપરવાની સલાહ આપતા હતા. એક વીડિયોમાં તેઓ ચેતવણી આપતા જોવા મળ્યા હતા કે AI હવે નકલી ડોક્યુમેન્ટ્સ પકડી પાડે છે, તેથી ‘સાચા રહો’. જોકે, તપાસમાં તેઓ પોતે જ અપ્રમાણિક સાબિત થયા છે.
ઓથોરિટીનો નિર્ણય. OMARA એ નિષ્કર્ષ કાઢ્યો કે વનીત કૌર ચઢ્ઢા “પ્રમાણિક વ્યક્તિ નથી અથવા ઇમિગ્રેશન સહાય આપવા માટે યોગ્ય વ્યક્તિ નથી.” આ કારણોસર તેમનું રજિસ્ટ્રેશન 5 વર્ષ માટે રદ કરવામાં આવ્યું છે.