ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે; અમેરિકા પાસેથી $500 Billion ની એનર્જી અને ટેકનોલોજી ખરીદવા સહમતી

વોશિંગ્ટન/નવી દિલ્હી: US India Trade deal : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથેના વ્યાપારિક સંબંધોમાં એક ક્રાંતિકારી ફેરફાર કરતા ટેરિફ (આયાત શુલ્ક) માં મોટા ઘટાડાની જાહેરાત કરી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ શેર કરતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની ટેલિફોનિક વાતચીત બાદ અમેરિકાએ ભારત પરનો ટેરિફ 25% થી ઘટાડીને 18% કરવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્પે પીએમ મોદીને એક અત્યંત શક્તિશાળી અને વિશ્વભરમાં સન્માનિત નેતા ગણાવતા તેમને પોતાના અંગત મિત્ર તરીકે સંબોધ્યા છે.
સંભવિત રોકાણ/ખરીદી: Over $500 Billion.
તેલની આયાતમાં ફેરફાર: રશિયાને બદલે USA અને Venezuela પાસેથી ખરીદી.
મુખ્ય નિકાસકારોને ફાયદો: ભારતીય આઈટી (IT), ફાર્મા અને ટેક્સટાઇલ સેક્ટર.
રશિયા પાસેથી તેલની ખરીદી અને વ્યૂહાત્મક બદલાવ: આ ઐતિહાસિક સમજૂતી પાછળ રશિયા-યુક્રેન યુદ્ધનો સંદર્ભ પણ મહત્વનો છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત હવે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બંધ કરવા સંમત થયું છે. તેના વિકલ્પ તરીકે ભારત હવે અમેરિકા અને વેનેઝુએલા પાસેથી વધુ તેલની આયાત કરશે. ટ્રમ્પના મતે, આ પગલાથી રશિયાને મળતી આર્થિક મદદ અટકશે અને યુદ્ધને જલ્દી સમાપ્ત કરવામાં મોટી મદદ મળશે. અગાઉ, રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે ભારત પર કુલ ટેરિફ 50% સુધી પહોંચી જવાની સંભાવના હતી, જેમાંથી હવે મુક્તિ મળી છે.
ભારત-અમેરિકા વચ્ચે $500 Billion ની ડીલ: સમજૂતીના ભાગરૂપે, ભારત પણ અમેરિકી વસ્તુઓ પરના ટેરિફ અને અન્ય વ્યાપારિક અવરોધોને ‘ઝીરો’ (શૂન્ય) કરવાની દિશામાં મહત્વના પગલાં લેશે. પીએમ મોદીએ અમેરિકાની ‘બાય અમેરિકન’ (Buy American) નીતિને સમર્થન આપવાની ખાતરી આપી છે. આ હેઠળ ભારત અમેરિકા પાસેથી ઊર્જા (Energy), ટેકનોલોજી, કૃષિ ઉત્પાદનો અને કોલસો મળીને કુલ $500 Billion થી વધુની ખરીદી કરશે. ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે આ સમાચાર પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ પીએમ મોદીને પોતાના સાચા મિત્ર માને છે અને આ ડીલથી બંને દેશો વચ્ચે પ્રગતિની અસીમિત તકો ખુલશે.