ઓસ્ટ્રેલિયામાં ભારતીયો વિરુદ્ધ કટ્ટરપંથી થોમસ સેવેલનું ઝેર: ‘ગોરાઓનો દેશ’ ગણાવી દેશ છોડવા ધમકી, ઓસ્ટ્રેલિયન સરકાર પંજાબી અને ભારતીય સમુદાયના સમર્થનમાં: ગૃહમંત્રી ટોની બર્કે નવા હેટ સ્પીચ કાયદા હેઠળ કડક કાર્યવાહીની ખાતરી આપી

મેલબોર્ન: ન્યુઝીલેન્ડમાં નગર કીર્તન અટક્યા બાદ હવે ઓસ્ટ્રેલિયામાં ભારતીયો અને ખાસ કરીને પંજાબી સમુદાય વિરુદ્ધ વિવાદ છેડાયો છે. ઓસ્ટ્રેલિયાના કુખ્યાત નિયો-નાઝી નેતા થોમસ સેવેલે ભારતીયો વિરુદ્ધ અત્યંત જાતિવાદી અને વાંધાજનક નિવેદનો આપી તેમને દેશ છોડવા ધમકી આપી છે.

સેવેલના વિવાદિત નિવેદનો થોમસ સેવેલે ૨૩ ફેબ્રુઆરીના રોજ મેલબોર્ન કોર્ટની બહાર જાહેરમાં કહ્યું કે, “અમે નથી ઈચ્છતા કે ઓસ્ટ્રેલિયા ભારત કે સુદાન બને.” તેણે ઓસ્ટ્રેલિયાને માત્ર ગોરાઓનો દેશ ગણાવી ૧૦ લાખ જેટલા ભારતીયોને દેશનિકાલ કરવાની માંગ કરી છે. સેવેલના મતે, પંજાબીઓને મોટી સંખ્યામાં વિઝા આપવાથી ઓસ્ટ્રેલિયાની ઓળખ જોખમમાં છે. તેણે ‘વ્હાઇટ રિપ્લેસમેન્ટ’નો મુદ્દો ઉઠાવી પ્રવાસીઓને પીઆર (PR) આપવાની પ્રક્રિયાને રોકવાની પણ તરફેણ કરી છે.

સરકારનું કડક વલણ ઓસ્ટ્રેલિયન સરકારે સેવેલના આ નિવેદનોને ઘૃણાસ્પદ ગણાવીને ફગાવી દીધા છે. ગૃહમંત્રી ટોની બર્કે સ્પષ્ટતા કરી છે કે સેવેલ ઓસ્ટ્રેલિયાની સુરક્ષા અને સામાજિક એકતા માટે જોખમ સમાન છે. તેમણે ભારતીય અને શીખ સમુદાયને સુરક્ષાની ખાતરી આપતા જણાવ્યું કે, ઓસ્ટ્રેલિયામાં નફરત ફેલાવનારાઓ માટે કોઈ સ્થાન નથી અને નવા ‘હેટ સ્પીચ’ કાયદા હેઠળ સેવેલ પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

થોમસ સેવેલનો ગુનાહિત ઇતિહાસ સેવેલ હિટલરની વિચારધારામાં માનતો નેતા છે અને તેની સંસ્થા ‘નેશનલ સોશિયાલિસ્ટ નેટવર્ક’ પર ઓસ્ટ્રેલિયામાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તે અગાઉ મીડિયા ગાર્ડ પર હુમલો કરવા, રમખાણો ભડકાવવા અને શાંતિ ડહોળવાના ૨૫થી વધુ કેસોમાં જેલ જઈ ચૂક્યો છે. વિક્ટોરિયાના પ્રીમિયર જેસિન્ટા એલને પણ તેના વિચારોને ‘નાઝી વિચારો’ ગણાવી તેની ટીકા કરી છે.

આ વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે ઓસ્ટ્રેલિયામાં પંજાબી ૧૦મી સૌથી વધુ બોલાતી ભાષા બની ગઈ છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે વિવિધતા જ ઓસ્ટ્રેલિયાની તાકાત છે અને કોઈપણ જાતિવાદી હુમલાને સહન કરવામાં આવશે નહીં.